FIFA પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનોએ સંકેત આપ્યો છે કે 2030 FIFA મેન્સ વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને 64 કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 2026 ના વર્તમાન વર્લ્ડ કપ પૂર્ણ થયા પછી સંબંધિત FIFA સમિતિઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. ઇન્ફન્ટિનોનું માનવું છે કે વિશ્વના દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાની તક મળવી જોઈએ, કારણ કે આનાથી નાના રાષ્ટ્રોને પણ વધુ સારું પ્રદર્શન કરવા અને ફૂટબોલનું સ્તર વધારવા માટે પ્રેરણા મળશે.

દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાની તક મળવી જોઈએ

મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્લ્ડ કપ પછી 64 ટીમોના વર્લ્ડ કપના મુદ્દા પર સંબંધિત સમિતિઓમાં ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે.તેમણે વધુમાં ઉમેર્યું,દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાનો અધિકાર હોવો જોઈએ. વિશ્વભરની ટીમોનું સ્તર સતત સુધરી રહ્યું છે. જો નાના રાષ્ટ્રોને વર્લ્ડ કપમાં રમવાની તક નહીં મળે, તો તેઓ પ્રગતિ કરવાની પ્રેરણા ગુમાવી દેશે.

2026 માં પહેલી વાર 48 ટીમોનો વર્લ્ડ કપ

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે રમાઈ રહેલો ચાલુ 2026 ફિફા વર્લ્ડ કપ ઇતિહાસનો પ્રથમ એવો વર્લ્ડ કપ છે જેમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ પહેલા 1998થી 2022 સુધીના વર્લ્ડ કપમાં માત્ર 32 ટીમો જ તી હતી.

48 ટીમોનું ફોર્મેટ સંપૂર્ણ સફળતા

FIFA પ્રમુખે 32 થી 48 ટીમોના વિસ્તરણને સંપૂર્ણ સફળતા ગણાવી, કહ્યું કે આ નિર્ણય ફૂટબોલના વૈશ્વિક વિકાસ માટે અત્યંત સકારાત્મક સાબિત થયો છે. તેમણે ઉમેર્યું કે જો ભવિષ્યમાં 64 ટીમોનું ફોર્મેટ લાગુ કરવામાં આવે છે, તો તે વધુ દેશોને ભાગ લેવાની મંજૂરી આપશે, જોકે મેચોની સંખ્યા, સંગઠન અને લોજિસ્ટિક્સ જેવા પડકારો પણ વધશે.

ભારતીય ફૂટબોલ ટીમ માટે મોટી તક 

આ સમાચાર ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક મોટો ઉત્સાહ છે. જ્યારે વર્લ્ડ કપમાં 32 ટીમો હતી ત્યારે એશિયા (AFC) પાસે ખૂબ જ મર્યાદિત સ્થાનો હતા, જેના કારણે ભારત માટે ક્વોલિફાય થવું લગભગ અશક્ય હતું. જ્યારે 2026 માં ટીમોની સંખ્યા વધીને 48 થઈ ગઈ, ત્યારે એશિયાનો ક્વોટા વધ્યો, જેનાથી આશાઓ જાગી. હવે, જો 2030 માં કુલ 64 ટીમો ભાગ લે છે, તો એશિયન દેશોનો ક્વોલિફાય ક્વોટા વધુ વધશે.

2030નો વર્લ્ડ કપ કેમ રહેશે ઐતિહાસિક?

2030નો ફિફા વર્લ્ડ કપ ફૂટબોલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આ ટુર્નામેન્ટ 3ખંડોના 6 દેશોમાં યોજાવાની છે. જેમાં મોરોક્કો, પોર્ટુગલ, સ્પેન, ઉરુગ્વે, આર્જેન્ટિના અને પેરાગ્વેનો સમાવેશ થાય છે. વર્ષ 1930માં પ્રથમ ફિફા વર્લ્ડ કપનું આયોજન કરનાર ઉરુગ્વે તેની શતાબ્દીનિમિત્તે એક ખાસ ઉદ્ઘાટન મેચની યજમાની કરશે.

આ પણ વાંચો - Fifa World Cup 2026: સેમીફાઈનલનું શેડ્યુલ જાહેર, જાણો કોણ કોની સાથે ટકરાશે?