ફૂટબોલ જગતના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સીના પરિવારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મેસ્સીના પિતા જોર્જ મેસ્સી અચાનક બીમાર પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેસ્સીના પરિવારે જોર્જની બીમારીની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે, જોકે તેમને ચોક્કસ કઈ બીમારી થઈ છે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.


પિતાના અવસાનની અફવાઓ પર પરિવારે શું કહ્યું?

જોર્જ મેસ્સી હોસ્પિટલમાં દાખલ થતાં જ સોશિયલ મીડિયા પર તેમના નિધનની ખોટી અફવાઓ તેજીથી ફેલાવા લાગી હતી. જોકે, મેસ્સીના પરિવારે તાત્કાલિક આ અફવાઓને સખત શબ્દોમાં ફગાવી દીધી છે. પરિવારે લોકોને અપીલ કરી છે કે આવા મુશ્કેલ સમયમાં કોઈ પણ પ્રકારના ખોટા કે ભ્રામક સમાચાર ન ફેલાવે. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી પરિવાર તરફથી સત્તાવાર માહિતી ન આપવામાં આવે ત્યાં સુધી કોઈ પણ અટકળો પર વિશ્વાસ કરવો નહીં.

તો આ કારણે મેદાન પર રડી પડ્યો હતો મેસ્સી!

નોંધનીય છે કે, 16 જૂનના રોજ રમાયેલી 2026 ફિફા વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં આર્જેન્ટિનાએ અલ્જેરિયાને 3-0થી હરાવ્યું હતું. આ મેચમાં મેસ્સીએ શાનદાર હેટ્રિક ફટકારી હતી. પરંતુ પહેલો ગોલ કર્યા બાદ જ મેસ્સી ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે સમયે મેસ્સીએ મીડિયા સમક્ષ પિતાની બીમારીનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ માત્ર એટલું જ કહ્યું હતું કે કેટલીક વ્યક્તિગત મુશ્કેલીઓના કારણે તે મેદાન પર રડી પડ્યો હતો. હવે પિતાની નાદુરસ્ત તબિયતના સમાચાર આવતા ચાહકોને સમજાયું છે કે મેસ્સી કયા દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો.

મિરોસ્લાવ ક્લોઝના રેકોર્ડની બરાબરી, આગામી મેચ પર નજર

અલ્જેરિયા સામેની આ ઐતિહાસિક હેટ્રિક સાથે જ લિયોનેલ મેસ્સીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે જર્મનીના દિગ્ગજ ખેલાડી મિરોસ્લાવ ક્લોઝના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હવે મેસ્સી માત્ર એક ગોલ દૂર છે અને તે ફૂટબોલ ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કરશે. આર્જેન્ટિનાની આગામી ટક્કર 22 જૂને ઑસ્ટ્રિયા સામે થવાની છે, જેના પર આખા વિશ્વની નજર રહેશે.

ફિફા વર્લ્ડકપમાં મેસ્સીની સિદ્ધિ

લિયોનેલ મેસ્સી પહેલાથી જ ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે, પરંતુ હવે આ આર્જેન્ટિનાના આ દિગ્ગજ ખેલાડીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે પહેલાં કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કરી નથી. છ અલગ અલગ ફિફા વર્લ્ડ કપમાં રમનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો. 

  • Follow us on: