ફૂટબોલના જાદુગર અને આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીનો રેકોર્ડ તોડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફીફા વર્લ્ડ કપમાં કેપ વર્ડે સામે રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં મેસીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. સતત 8મી વર્લ્ડ કપ મેચમાં ગોલ કરીને મેસીએ પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ વધુ મજબૂત કર્યો છે. આર્જેન્ટિનાએ એક્સ્ટ્રા ટાઇમ માં કેપ વર્ડેને 3-2થી હરાવીને રાઉન્ડ ઓફ-16માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.

29મી મિનિટે મેસીએ કર્યો ગોલ

મેચે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. મેચની 29મી મિનિટે ડિફેન્ડર લિસાન્દ્રો માર્ટિનેઝે બોક્સની અંદર એક લોંગ અને સચોટ પાસ આપ્યો હતો. મેસીએ શાનદાર ટાઇમિંગ સાથે રન લગાવીને પહેલો ટચ અદ્ભુત લીધો અને કેપ વર્ડેના ગોલકીપર વોજિન્હાની ઉપરથી બોલને સીધો નેટની છત ભેગો કરી દીધો. આ શાનદાર ગોલ સાથે આર્જેન્ટિનાને 1-0ની લીડ મળી ગઈ હતી.

વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ 20 ગોલ

આ ગોલ સાથે મેસીના વર્લ્ડ કપ કરિયરના કુલ 20 ગોલ થઈ ગયા છે. આ યાદીમાં બીજા સ્થાને રહેલા ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે (Kylian Mbappe) કરતાં મેસી હવે 2 ગોલ આગળ નીકળી ગયો છે. મેસી હવે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે.વર્તમાન વર્લ્ડ કપમાં આ મેસીનો 7મો ગોલ છે, જેના કારણે તે ગોલ્ડન બૂટ (Golden Boot)ની રેસમાં 6 ગોલ ધરાવતા એમ્બાપ્પેને પાછળ છોડીને ટોપ પર પહોંચી ગયો છે. સતત 8 વર્લ્ડ કપ મેચોમાં મેસી અત્યાર સુધીમાં કુલ 12 ગોલ ફટકારી ચૂક્યો છે, જે તેના શાનદાર ફોર્મની સાક્ષી પૂરે છે.

https://x.com/FIFAWorldCup/status/2073230366673150360?s=20


રોનાલ્ડોના ઇન્ટરનેશનલ ગોલની નજીક

આ મેસીના ઇન્ટરનેશનલ કરિયરનો 124મો ગોલ હતો. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં ગોલ કરવાના મામલે હવે મેસીથી આગળ માત્ર પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જેના નામે 146 ગોલ નોંધાયેલા છે.

ગોલ્ડન બૂટની રેસ થઈ રોમાંચક

મેસી (7 ગોલ) અને એમ્બાપ્પે (6 ગોલ) ઉપરાંત ગોલ્ડન બૂટની રેસમાં નોર્વેના એર્લિંગ હાલેન્ડ અને ઇંગ્લેન્ડના હેરી કેન 5-5 ગોલ સાથે લાઈનમાં છે. જ્યારે ઉસ્માન ડેમ્બેલે, મિકેલ ઓયારઝાબાલ અને વિનિસિયસ જુનિયર 4-4 ગોલ સાથે રેસમાં બનેલા છે.જો ટુર્નામેન્ટના અંતે બે ખેલાડીઓના ગોલ સરખા થશે, તો ફીફાના નિયમ મુજબ પહેલા આસિસ્ટ (Assist) અને ત્યારબાદ ઓછા મિનિટ રમવાના આધારે વિજેતા નક્કી કરાશે.

મેસી પાસે ઇતિહાસ બદલવાની તક

રસપ્રદ વાત એ છે કે લિયોનેલ મેસીએ પોતાના કરિયરમાં ક્યારેય ગોલ્ડન બૂટ જીત્યો નથી. 2022ના વર્લ્ડ કપમાં મેસીએ 7 ગોલ કર્યા હતા, પરંતુ એમ્બાપ્પે 8 ગોલ સાથે બાજી મારી ગયો હતો. જ્યારે 2014માં મેસી 4 ગોલ સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યો હતો. પરંતુ આ વખતે મેસી જે પ્રચંડ ફોર્મમાં છે, તે જોતા પહેલીવાર ગોલ્ડન બૂટ જીતવાની તેની પાસે સુવર્ણ તક છે.

આ પણ વાંચો - FIFA World Cup 2026 : ઇજિપ્તે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને રચ્યો ઇતિહાસ