ન્યુ યોર્કના ન્યુ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાને ૧-૦ થી હરાવીને સ્પેને બીજી વખત ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. જોકે, આ ઐતિહાસિક જીત બાદ ટ્રોફી પ્રેઝન્ટેશન સેરેમની (ઈનામ વિતરણ સમારોહ) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક હરકત ભારે હેડલાઇન્સમાં ચમકી છે, જેને લીધે સ્પેનિશ ટીમની વિજયી ઉજવણીમાં થોડી ખલેલ પહોંચી હતી. વિજય બાદ, ડોનાલ્ડ ટ્રમ્પ ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવા માટે ફિફા (FIFA) પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનો સાથે મેદાન પર પહોંચ્યા હતા. પરંતુ ટ્રોફી સોંપ્યા પછી પણ તેઓ સ્ટેજ પર જ ઊભા રહી જતાં સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે.
https://twitter.com/nocontextfm1/status/2078975915334197559
ફિફા વર્લ્ડકપમાં સ્ટેડિયમમાં ટ્રમ્પનો હુરિયો બોલાવાયો
ફિફાના પ્રમુખ ગિયાની ઇન્ફેન્ટિનોએ અગાઉથી જ જાહેરાત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા ટીમના કેપ્ટન રોડ્રીને વર્લ્ડ કપ ટ્રોફી એનાયત કરશે. જેવા ટ્રમ્પ અને ઇન્ફેન્ટિનો મેદાનમાં પ્રવેશ્યા, સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોએ વિરોધ દર્શાવતા ટ્રમ્પ સામે બૂમાબૂમ (Hooting) કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, બંને મહાનુભાવોએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મેડલ આપવાની પ્રક્રિયા શરૂ કરતા જ વાતાવરણ શાંત પડી ગયું હતું. આ પછી, ટ્રમ્પે સ્પેનના કેપ્ટન રોડ્રીના હાથમાં ચમકતી વર્લ્ડ કપ ટ્રોફી સોંપી હતી.
ઉજવણી વચ્ચે વિલન બન્યા ટ્રમ્પ? અધિકારીઓએ સ્ટેજ છોડવાનો સંકેત આપવો પડ્યો
મુખ્ય વિવાદ ટ્રોફી સોંપ્યા પછી શરૂ થયો હતો. ટ્રોફી મેળવ્યા બાદ કેપ્ટન રોડ્રી પોતાના સાથી ખેલાડીઓ સાથે ટ્રોફી હવામાં ઉછાળીને જશ્ન મનાવવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંથી ખસવાને બદલે ખેલાડીઓની બિલકુલ વચ્ચે જ ઉભા રહી ગયા. સ્પેનિશ ટીમ પોતાની જીતની ક્ષણોને કેમેરામાં કેદ કરવા માંગતી હતી પરંતુ ટ્રમ્પ સ્ટેજ પર અડીંગો જમાવીને ઉભા રહ્યા હતા. આખરે પરિસ્થિતિ વણસતી જોઈને ત્યાં હાજર સત્તાવાર અધિકારીઓએ ટ્રમ્પને સ્ટેજ છોડી દેવા માટે ઈશારો કરવો પડ્યો હતો. સંકેત મળ્યા બાદ તેઓ પાછળ હટ્યા, અને ત્યારબાદ સ્પેનિશ ખેલાડીઓએ મન ભરીને પોતાની જીતની ઉજવણી કરી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેના પર યુઝર્સ રમુજી કમેન્ટ્સ કરી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ટ્રમ્પે પ્રોટોકોલનો ભંગ કર્યો છે.
ક્લબ વર્લ્ડ કપમાં પણ કરી હતી આવી જ ભૂલ
આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે આવું કર્યું હોય. આ જ વર્ષે યોજાયેલી ફિફા ક્લબ વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. તે સમયે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ચેલ્સીની ટીમને ટ્રોફી આપી, ત્યારે પણ તેઓ લાંબો સમય ખેલાડીઓ સાથે સ્ટેજ પર જ ઉભા રહ્યા હતા. જોકે, આ વખતે સત્તાવાર વર્લ્ડ કપમાં ખેલાડીઓ ટ્રોફી હવામાં લહેરાવે તે પહેલા જ અધિકારીઓએ તેમને સ્ટેજ પરથી રવાના કરી દીધા હતા.
ફિફા વર્લ્ડકપમાં સ્પેનની ઐતિહાસિક જીત
જો મેચની વાત કરીએ તો, ફાઇનલ મુકાબલો અત્યંત રસાકસીભર્યો રહ્યો હતો. ફૂલ ટાઈમ સુધી બંને ટીમો ગોલ કરી શકી નહોતી. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઈમની ૧૦૬મી મિનિટમાં ફેરન ટોરેસે શાનદાર ગોલ કરીને આર્જેન્ટિનાના સપના પર પાણી ફેરવી દીધું અને સ્પેનને ૧-૦ થી જીત અપાવીને ઇતિહાસ રચી દીધો.
આ પણ વાંચો : FIFA World Cup 2026: ઇન્ટરનેટ પર આ ખેલાડીઓએ મચાવી ધૂમ, રાતોરાત વધ્યા કરોડો ફોલોઅર્સ