ઘાનાને તેમના ફિફા વર્લ્ડકપ 2026 અભિયાન પહેલા મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર મિડફિલ્ડર થોમસ પાર્ટે કેનેડાના ટોરોન્ટોમાં પનામા સામે ટીમની શરૂઆતની મેચમાં રમી શકશે નહીં, કારણ કે તેની વિઝા અરજી નકારવામાં આવી છે.
શુક્રવારે FIFAએ એક નિવેદનમાં પુષ્ટિ આપી હતી કે 32 વર્ષના પાર્ટીને કેનેડામાં પ્રવેશ આપવાની ના પાડવામાં આવી છે. પરિણામે, તે યુએસએના રોડ આઈલેન્ડના સ્મિથફિલ્ડ સ્થિત ઘાનાના બેઝ કેમ્પથી ટોરોન્ટો સુધી મુસાફરી કરી શકશે નહીં. FIFAએ સ્પષ્ટતા કરી હતી કે યજમાન દેશો માટે વિઝા પ્રક્રિયામાં તેની કોઈ ભૂમિકા નથી અને અંતિમ નિર્ણય સંબંધિત સરકારો પાસે રહે છે.
કેનેડાની સરકારે વિઝા અરજી નકારી
FIFA ના જણાવ્યા મુજબ કેનેડાની સરકારે તેમની વિઝા અરજી નકારી કાઢી હતી . FIFA યજમાન દેશોની ઈમિગ્રેશન પ્રક્રિયા અથવા વિઝા મંજૂરીઓમાં ભાગ લેતું નથી. ખેલાડીને વિઝા આપવાનો કે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો નિર્ણય સંબંધિત સરકારની જવાબદારી છે.
કેનેડિયન ઈમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા વિભાગે આ બાબતે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી, અને ઘાના ફૂટબોલ એસોસિએશન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું ન હતું .
વિઝા અરજી નકારાયા બાદ થોમસ પાર્ટે રોડ આઈલેન્ડ સ્થિત ઘાનાના બેઝ કેમ્પમાં પાછો ફર્યો છે. પરંતુ તે ટુર્નામેન્ટમાંથી સંપૂર્ણપણે બહાર થવાની અપેક્ષા નથી. તે 23 જૂને ફોક્સબરો, મેસેચ્યુસેટ્સમાં ઈંગ્લેન્ડ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ ઘાના 27 જૂને ફિલાડેલ્ફિયામાં ક્રોએશિયા સામે તેની અંતિમ ગ્રુપ મેચ રમશે.
થોમસ પાર્ટે હાલમાં કાનૂની વિવાદમાં ફસાયેલો
થોમસ પાર્ટે પણ હાલમાં કાનૂની વિવાદમાં ફસાયેલો છે. 2020 થી 2025 દરમિયાન ઈંગ્લિશ ક્લબ આર્સેનલ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન લાગેલા અનેક બળાત્કારના આરોપો માટે તેઓ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. ટ્રાયલ નવેમ્બરમાં અથવા પછી શરૂ થવાની ધારણા છે. થોમસ પાર્ટેએ બધા આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે.
થોમસ પાર્ટે હાલમાં સ્પેનિશ ક્લબ વિલારિયલ માટે રમે છે. મોરોક્કન ડિફેન્ડર અચરાફ હકીમી પણ ફ્રાન્સમાં સમાન આરોપોમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યો છે. ઘાના છેલ્લા 6 ફિફા વર્લ્ડકપમાંથી 5 માટે ક્વોલિફાય થયું છે અને આ વખતે તે વધુ સારા પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે. પરંતુ ટુર્નામેન્ટની શરૂઆતની મેચ પહેલા થોમસ પાર્ટેની ગેરહાજરી ટીમ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા