ફિફા વર્લ્ડ કપ 2026માં નોર્વેની ટીમે માત્ર મેદાન પર પાંચ વખતના ચેમ્પિયન બ્રાઝિલને હરાવીને સનસનાટી નથી મચાવી, પરંતુ મેદાનની બહાર પણ તેમના ફેન્સ આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યા છે. નોર્વેની ટીમ અને તેમના પ્રશંસકો દ્વારા કરવામાં આવતી ખાસ ‘વાઇકિંગ રો’ ઉજવણી હાલમાં સોશિયલ મીડિયા અને સ્ટેડિયમમાં ભારે લોકપ્રિય બની ગઈ છે.

FIFA વર્લ્ડ કપમાં છવાયો ‘વાઇકિંગ રો’ ફીવર

સોશિયલ મીડિયા હોય કે સ્ટેડિયમ, દરેક જગ્યાએ આ અનોખી ઉજવણીના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. નોર્વેના ફૂટબોલ ચાહકોએ પોતાના ઐતિહાસિક વારસાને આધુનિક રમત સાથે જોડીને એક એવી પરંપરા ઊભી કરી છે, જે આજે સમગ્ર વિશ્વમાં ઓળખ બની ગઈ છે.

‘વાઇકિંગ રો’ શું છે?

‘વાઇકિંગ રો’ માં હજારો ચાહકો એકસાથે બેસી કલ્પિત હલેસાં ચલાવવાની ક્રિયા કરે છે અને “રો” (Row) ના નાદ સાથે સમગ્ર સ્ટેડિયમ ગુંજી ઊઠે છે. આ દૃશ્ય નોર્વેના પ્રાચીન વાઇકિંગ યોદ્ધાઓ અને તેમની લાંબી નૌકાયાત્રાઓની યાદ અપાવે છે. આ ઉજવણીનો મૂળ ભાવ એકતા, સાહસ અને ટીમ માટેના અતૂટ સમર્થનને દર્શાવવાનો છે.

કેવી રીતે થઈ આની શરૂઆત?

આ અનોખા વિચારની શરૂઆત વર્ષ 2025ના અંતમાં ઓલે ફ્રોયસ્ટાડ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં થોડા ચાહકો સુધી મર્યાદિત રહેલો આ પ્રયાસ બાદમાં નોર્વેના સત્તાવાર સપોર્ટર્સ ગ્રુપે અપનાવ્યો અને સોશિયલ મીડિયા પર તેની સતત પ્રચાર સાથે તે ઝડપથી લોકપ્રિય બન્યો. બાદમાં ખાસ ગીત, તાલબદ્ધ ડ્રમ અને વાઇકિંગ હોર્ન જેવા તત્વો ઉમેરાતા સમગ્ર કાર્યક્રમ વધુ આકર્ષક બની ગયો.શરૂઆતના દિવસોમાં કેટલાક લોકોને નોર્વે ટીમની આ ઉજવણી થોડી અલગ લાગી હતી, પરંતુ સ્વીડન સામેની મેચ બાદ જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે તેની લોકપ્રિયતા અનેકગણી વધી ગઈ. ત્યારબાદ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી લઈને બોસ્ટન અને નોર્વેની સંસદ સુધી લોકો ‘વાઇકિંગ રો’ કરતા જોવા મળ્યા.

https://www.instagram.com/reel/DabXeXtJEZF/?utm_source=ig_web_button_share_sheet


હાલેન્ડનો વધતો ક્રેઝ

નોર્વેના કેપ્ટન માર્ટિન ઓડેગાર્ડ અને સ્ટાર ફોરવર્ડ એર્લિંગ હાલેન્ડ સહિતના ખેલાડીઓએ પણ દરેક જીત બાદ ચાહકો સાથે મેદાનમાં બેસીને આ ઉજવણી કરી હતી. ખેલાડીઓ અને ચાહકો વચ્ચે ઉભી થયેલા આ અનોખા કનેક્શને સમગ્ર વિશ્વના ફૂટબોલપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે.નોર્વે ફૂટબોલ ટીમનોર્વે લગભગ 28 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપમાં પરત ફર્યું છે અને આ વાપસી માત્ર રમત પૂરતી સીમિત રહી નથી. ‘વાઇકિંગ રો’ હવે નોર્વેની નવી રમતગમત સંસ્કૃતિનું પ્રતીક બની ગયું છે. અનેક દેશોના ચાહકો પણ આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે રમત માત્ર સ્પર્ધા નહીં પરંતુ સંસ્કૃતિઓને જોડવાનું એક શક્તિશાળી માધ્યમ પણ છે.


FIFA વર્લ્ડ કપ 2026ની સૌથી યાદગાર અને વાયરલ ક્ષણ

ફૂટબોલના મેદાનમાં ગોલ જેટલો જ ઉત્સાહ હવે સ્ટેન્ડમાં થતી આ સમૂહ ઉજવણીને લઈને પણ જોવા મળી રહ્યો છે. ‘વાઇકિંગ રો’એ સાબિત કરી દીધું છે કે સર્જનાત્મકતા, એકતા અને ચાહકોનો જુસ્સો કોઈપણ રમતને યાદગાર બનાવી શકે છે. આ કારણે જ નોર્વેની આ પરંપરા FIFA વર્લ્ડ કપ 2026ની સૌથી યાદગાર અને વાયરલ ક્ષણોમાં સામેલ થઈ ગઈ છે.