ભારતીયો માટે ચોક્કસથી ક્રિકેટ માટેનો પ્રેમ અને લાગણી અન્ય રમત કરતાં થોડી વધારે છે પરંતુ સત્ય એ છે કે વિશ્વના મોટા ભાગના દેશોમાં જો કોઈ રમત રમાતી હોય અને જોવાતી હોય તો એ રમત છે ફૂટબોલ. ત્યારે ફૂટબોલ જગતથી એક યુવા ખેલાડીના એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રાન્સફર થવાના સમાચારે ફૂટબોલ જગતમાં જોરદાર ખળભળાટ મચાવી મૂક્યો છે.


3500 કરોડ રૂપિયાનો ખેલાડી

આ રકમ વાંચીને ખરેખર કોઈ પણ રમતગમત પ્રેમીની ઊંઘ ઊડી જાય કે કોઈ ખેલાડીની કિંમત 3500 કરોડ રૂપિયા કેવી રીતે હોય શકે? પરંતુ ફૂટબોલની રમતમાં બધુંજ શક્ય છે આ એક માત્ર એવી રમત છે જેમાં ખેલાડી માટે કરોડો અબજો રૂપિયા મેનેજમેન્ટ વાપરી નાખે છે. ત્યારે ફૂટબોલ જગતના એક યુવા સ્ટાર ખેલાડી વિશે તેના એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રાન્સફરના સમાચાર સામે આવ્યા છે જેમાં આ ખેલાડી પર એક ટીમ 3500 કરોડ રૂપિયા ખર્ચવા તૈયાર થઈ હોય એવી માહિતી મળી રહી છે.

વિનિસિયસ જુનિયર પર દુનિયાની નજર

આજથી 8 વર્ષ પહેલાના એક ખેલાડીના ટ્રાન્સફરના રેકોર્ડને યાદ કરીએ તો આ રેકોર્ડ બ્રાઝિલિયન સુપરસ્ટાર નેમાર જુનિયરના નામે રહેલો છે. ફૂટબોલ વિશ્વ જગતના આ સ્ટાર ખેલાડીને આજથી 8 વર્ષ પહેલા PSG ફૂટબોલ ક્લબે આ ભૂતપૂર્વ બ્રાઝિલિયન સુપરસ્ટારને બાર્સેલોના ફૂટબોલ ક્લબમાંથી 222 મિલિયન યુરોમાં ખરીદીને પોતાની ટીમમાં સ્થાન આપ્યું હતું. ત્યારે હવે નવા એક બ્રાઝિલિયન સ્ટાર વિનિસિયસ જુનિયર પર 3500 કરોડ રૂપિયા ખર્ચવા માટે એક ટીમ પ્રયત્ન કરી રહી છે.

સાઉદી અરેબિયન લીગના ક્લબની નજર

બ્રાઝિલિયન સ્ટાર વિનિસિયસ જુનિયર પર 3500 કરોડ રૂપિયા ખર્ચવા અન્ય કોઈ મેનેજમેન્ટ નહીં પણ સાઉદી અરેબિયન ફૂટબોલ લીગ તૈયાર બેઠી હોય એવા સમાચાર વહેતા થયા છે. 25 વર્ષીય વિનિસિયસ હાલ દુનિયાના સૌથો મોટા અને સુપ્રસિદ્ધ સ્પેનિશ ફૂટબોલ ક્લબ રીઅલ મેડ્રિડનો ખેલાડી છે. જો સાઉદી ક્લબ વિનિસિયસ સાથે આ ટ્રાન્સફરના કરારમાં સફળતા મેળવે છે તો વિનિસિયસ જુનિયર ફૂટબોલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનશે.

  • Follow us on: