ભારતીય ફૂટબોલની યુવા ટીમે AFC U-17 એશિયન કપ 2027 ક્વોલિફાયર્સમાં શાનદાર પ્રદર્શન કરતાં ગુઆમને 12-0થી હરાવી દીધું છે. મલેશિયાના કુઆલાલંપુરમાં રમાયેલી ગ્રુપ Eની આ મેચમાં ભારતીય ખેલાડીઓએ શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. રાજ સિંહ વેહેંગબામે ચાર ગોલ કર્યા હતા, જ્યારે કેપ્ટન દલ્લાલમુઓન ગાંગટેએ હેટ્રિક ફટકારી હતી. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવીને ગ્રુપમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

પ્રથમ હાફમાં જ 5 ગોલ, પછી વધુ 7 ગોલ 

ભારતે મેચની પાંચમી મિનિટમાં જ લીઓ થોંગબામના ગોલથી ખાતું ખોલ્યું હતું. ત્યારબાદ કેપ્ટન દલ્લાલમુઓન ગાંગટેએ 13મી, 27મી અને 32મી મિનિટે ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. હૃષિકેશ મનાવથીએ 20મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. આમ, ભારતીય ટીમે પ્રથમ હાફમાં જ 5-0ની સરસાઈ મેળવી લીધી હતી. બીજા હાફમાં પણ ભારતીય ખેલાડીઓ અટક્યા નહોતા. ડેવિડ માંગાંગ ઇરોમે 53મી મિનિટે ગોલ કર્યો હતો. ત્યારબાદ રાજ સિંહ વેહેંગબામે 55મી, 73મી, 83મી અને 84મી મિનિટે ગોલ કરીને ચાર ગોલ પૂરા કર્યા હતા. ફેલિક્સ મૈતેઈ સૈખોમે 56મી અને રિસ્ટિક મૈતેઈએ 87મી મિનિટે ગોલ કરીને સ્કોર 12-0 સુધી પહોંચાડ્યો હતો.

40 વર્ષ જૂના રેકોર્ડથી ભારત થોડું પાછળ

ગુઆમ સામેની આ જીત ભારતીય U-17 પુરુષ ટીમની AFC ક્વોલિફાયર્સમાં ત્રીજી સૌથી મોટી જીત છે. આ પહેલાં ભારતે 1984માં મકાઉ અને 2024માં બ્રુનેઈ સામે 13-0થી જીત મેળવી હતી. એટલે ગુઆમ સામેનો 12-0નો વિજય આ ઐતિહાસિક યાદીમાં ત્રીજા ક્રમે આવે છે. ભારતીય ટીમે આ મેચમાં માત્ર ગોલ જ કર્યા નહોતા, પરંતુ બોલ પર કબજો રાખીને અને ઝડપી પાસિંગથી ગુઆમની રક્ષણપંક્તિને સતત દબાણમાં રાખી હતી. ગુઆમના ગોલકીપર લિયમ રાલ્ફે અનેક પ્રયાસો રોક્યા હતા, છતાં ભારતીય આક્રમણ સામે તે ટીમને મોટી હારથી બચાવી શક્યો નહોતો.

એશિયન કપમાં સ્થાન મેળવવા હવે પેલેસ્ટાઇન સામે જંગ

આ જીત બાદ ભારત ગ્રુપ Eમાં 6 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ભારત અને પેલેસ્ટાઇન બંનેએ પોતાની પ્રથમ બે મેચ જીતી છે, પરંતુ ભારતનો ગોલ તફાવત વધુ હોવાથી તે ટોચ પર છે. ભારતનો ગોલ તફાવત +14 છે, જ્યારે પેલેસ્ટાઇનનો +7 છે. સિંગાપોર ત્રણ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારતની આગામી મેચ 17 નવેમ્બરે પેલેસ્ટાઇન સામે રમાશે. આ મુકાબલો ગ્રુપમાં ટોચનું સ્થાન જાળવવા માટે અત્યંત મહત્ત્વનો રહેશે. કારણ કે દરેક ગ્રુપમાંથી માત્ર વિજેતા ટીમને જ AFC U-17 એશિયન કપ 2027માં સીધું સ્થાન મળશે. ત્યારબાદ ભારતે 20 નવેમ્બરે યજમાન મલેશિયા સામે પણ રમવાનું છે.

આ ટૂર્નામેન્ટ ઉઝબેકિસ્તાનમાં 12થી 29 મે, 2027 દરમિયાન યોજાવાની છે. ભારતીય ટીમ પાસે સતત બીજી જીત બાદ હવે એશિયન કપમાં સ્થાન મેળવવાની સારી તક છે, પરંતુ પેલેસ્ટાઇન સામેનો મુકાબલો તેની ક્વોલિફિકેશનની દિશા નક્કી કરવામાં નિર્ણાયક બની શકે છે.

આ પણ વાંચો: Lakshya Sen: લક્ષ્ય સેને રચ્યો ઇતિહાસ! જાપાન માસ્ટર્સની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો