હાલમાં ભારતીય ફૂટબોલની સ્થિતિ ભારતીય ફૂટબોલ પ્રેમીઓની આશાઓ મુજબ નથી ચાલી રહી પરંતુ ભારતમાં ફૂટબોલની રમત પ્રત્યેનો પ્રેમ સતત વધી રહ્યો છે ત્યારે આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ભારત આવી શકે એવા સમાચાર સામે આવ્યા છે.
મેસ્સી-રોનાલ્ડો આવશે ભારત
ભારતીય ફૂટબોલ ચાહકો માટે 2025નું વર્ષ ખુબજ યાદગાર રહેવાનું છે કેમકે ફૂટબોલ જગતના બે એવા મહાન ખેલાડીઓ જેમણે વિશ્વમાં તેમની અલગ છાપ છોડી છે જેમના ભારતમાં પણ કરોડો ચાહકો રહેલા છે તેઓ આ વર્ષના અંત સુધીમાં ભારતની મુલાકાતે આવી શકે એમ છે. આ બંને દિગ્ગજ ફૂટબોલ ખેલાડીઓના આગમનથી ભારત ભરના ખેલાડીઓમાં એક અલગ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ વર્ષે ભારતીય ફૂટબોલ રસિકોને તેમના ફેવરિટ ખેલાડીઓને લાઈવ જોવાનો અવસર પ્રાપ્ત થશે.
વિરાટ કોહલીની ટીમ સાથે ટકરાશે
મળતી માહિતી મુજબ લિયોનેલ મેસ્સી 2025ના અંતમાં ભારતની મુલાકાત લેવાના છે. એ સિવાય રોનાલ્ડોના ક્લબ અલ નાસર અને ભારતના FC ગોવાને AFC ચેમ્પિયન્સ લીગમાં એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ આયોજનથી રોનાલ્ડોની ટીમ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની ટીમ સામે ટકરાશે જેનાથી ભારતીય ફૂટબોલ પ્રેમીઓને આશા વધી ગઈ છે કે તેમના મનપસંદ ખેલાડી એવા રોનાલ્ડો તેમની ટીમ સાથે ચોક્કસથી બહારની મુલાકાત લેશે. ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર વિરાટ કોહલી એફસી ગોવાના સહ-માલિક છે.
અલ નાસર અને FC ગોવા એક જ ગ્રુપમાં
આજરોજ AFC એ એશિયન ચેમ્પિયન્સ લીગ-2 ના ચાર ગ્રુપ માટે ટીમોની જાહેરાત કરી છે જે મુજબ ઇન્ડિયન સુપર લીગમાં રમનારી FC ગોવા પણ આ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ચાહકો ઇચ્છતા હતા કે રોનાલ્ડોની ટીમ અલ નાસર અને વિરાટની ટીમ FC ગોવાને એક જ ગ્રુપમાં રાખવામાં જેથી ભારતીય ક્રિકેટ પ્રેમીઓ પોર્ટુગીઝના આ સ્ટાર ખેલાડીને ભારતમાં રમતા જોઈ શકે. ટુર્નામેન્ટના ફોર્મેટ મુજબ, એક ગ્રુપમાં દરેક ટીમ અન્ય બધી ટીમો સાથે 2-2 મેચ રમશે,આ રીતે, એફસી ગોવા અને અલ નાસર વચ્ચે એક મેચ સાઉદી અરેબિયામાં થશે, જ્યારે બીજી મેચ ગોવામાં થશે.