Rockstar Games હાલમાં GTA 6ના લોન્ચ પર ધ્યાન આપી રહી છે. GTA 6ની રિલીઝ 19 નવેમ્બર 2026 માટે નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન કંપનીની આગામી ગેમને લઈને એક જૂની લીક ફરી સોશિયલ મીડિયા અને ગેમિંગ વેબસાઇટ્સ પર ચર્ચામાં આવી છે. આ લીક મુજબ Rockstarની GTA 6 પછીની આગામી મોટી ગેમ L.A. Noire 2 હોઈ શકે છે. ખાસ વાત એ છે કે અગાઉ એવી ચર્ચા હતી કે કંપની Red Dead Redemption 3 પર કામ કરી શકે છે. પરંતુ હાલ સામે આવેલા દાવામાં L.A. Noireની સિક્વલનું નામ લેવામાં આવ્યું છે.

Zodiac Killer કેસ પર બની શકે છે વાર્તા

લીકમાં દાવો કરવામાં આવ્યો છે કે L.A. Noire 2ની વાર્તા અમેરિકાના જાણીતા Zodiac Killer કેસની આસપાસ રાખવામાં આવી શકે છે. આ કેસ 1960ના દાયકાના અંતમાં કેલિફોર્નિયામાં થયેલી હત્યાઓ સાથે જોડાયેલો છે. અહેવાલો અનુસાર ગેમનું સેટિંગ Los Angelesને બદલે San Francisco હોઈ શકે છે. જો આ દાવો સાચો સાબિત થાય તો નવી ગેમનો સમયગાળો પણ મૂળ L.A. Noireથી ઘણો અલગ હશે.

પહેલી L.A. Noireથી કેવી અલગ હશે?

મૂળ L.A. Noire 2011માં રિલીઝ થઈ હતી. આ ગેમમાં ખેલાડીઓ પોલીસ અધિકારી Cole Phelpsની ભૂમિકા ભજવતા હતા અને હત્યા તથા અન્ય ગુનાઓની તપાસ કરતા હતા. ગેમની ખાસિયત તેની તપાસ, પૂછપરછ અને પાત્રોના ચહેરાના હાવભાવને લઈને હતી. નવી ગેમ બનશે તો Rockstar વધુ આધુનિક ટેક્નોલોજી અને વધુ સારા facial captureનો ઉપયોગ કરી શકે છે, એવો પણ દાવો કરવામાં આવ્યો છે.

2030માં રિલીઝની પણ ચર્ચા

કેટલાક રિપોર્ટ્સમાં L.A. Noire 2 માટે 2030ની આસપાસની રિલીઝનો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે આ તારીખની પણ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. આ માહિતી એક જૂની અનામી લીકમાંથી ફરી સામે આવી છે. લીક કરનાર વ્યક્તિએ અગાઉ GTA 6 સાથે જોડાયેલી કેટલીક માહિતી સાચી આપી હોવાનો દાવો કરવામાં આવે છે.

Rockstarએ હજુ કંઈ કહ્યું નથી

હાલ સુધી Rockstar Gamesએ L.A. Noire 2 અંગે કોઈ ટ્રેલર, રિલીઝ ડેટ, પ્લેટફોર્મ, કાસ્ટ કે ડેવલપમેન્ટની સત્તાવાર માહિતી જાહેર કરી નથી. એટલે હાલમાં આ સમાચારને માત્ર અફવા અથવા લીક તરીકે જ જોવામાં આવી રહ્યા છે. જો આ પ્રોજેક્ટ ખરેખર બની રહ્યો હોય તો GTA 6 બાદ Rockstar તરફથી લાંબા સમય બાદ એક અલગ પ્રકારની ડિટેક્ટિવ ગેમ જોવા મળી શકે છે. પરંતુ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી L.A. Noire 2 અંગેની આ માહિતીની પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: Gandhinagar News: ખેલમહાકુંભ 2026ની તમામ રમતો મોકૂફ, જાણો વિગતો