ગુજરાતના પેરા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. જાપાનના આઇચી પ્રીફેક્ચર અને નાગોયા શહેરમાં યોજાયેલી 5મી એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ કુલ 8 મેડલ જીત્યા છે. તેમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
અંજનાબેન બુંબડિયાએ જીત્યો ગોલ્ડ મેડલ

સાબરકાંઠાની અંજનાબેન રોહિત બુંબડિયાએ મહિલા 400 મીટર T47 પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે આ દોડ 59.97 સેકન્ડમાં પૂરી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સાબરકાંઠાની જ તેજલબેન અમરજી ડામોરે પણ બે મેડલ જીતીને નોંધપાત્ર સફળતા મેળવી હતી. તેમણે મહિલા 400 મીટર T12 સ્પર્ધામાં 57.60 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ મહિલા 200 મીટર T12 સ્પર્ધામાં 25.23 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ગાંધીનગરની નિમિષાને લોંગ જમ્પમાં સિલ્વર

મૂળ કેરળની અને ગાંધીનગર SAI ખાતે તાલીમ લેતી પેરા-એથ્લીટ નિમિષા સુરેશે T47 લોંગ જમ્પ સ્પર્ધામાં 5.37 મીટરનું અંતર કાપીને સિલ્વર મેડલ જીત્યો હતો. નિમિષાએ અગાઉ 2023માં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાજ્ય સરકાર તરફથી નિમિષાને 2023ની સ્પર્ધામાં ભાગ લેવા માટે રૂ. 5 લાખની સહાય આપવામાં આવી હતી. તે જ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ તેમને રૂ. 30 લાખની સહાય પણ આપવામાં આવી હતી.
પેરા ટેબલ ટેનિસમાં પણ ગુજરાતની સફળતા

મહેસાણાની ભાવિનાબેન હસમુખભાઈ પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ 4–5 પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અર્જુન એવોર્ડથી સન્માનિત ભાવિનાબેન અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે. અમદાવાદનાં સોનલબેન મનુભાઈ પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ 3 પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ રીતે પેરા ટેબલ ટેનિસમાં ગુજરાતની બંને ખેલાડીઓએ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું હતું.
રાકેશ ભટ્ટે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા

ભાવનગરના રાકેશ ધનજીભાઈ ભટ્ટે પેરા એથ્લેટિક્સમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમણે પુરુષોની 100 મીટર T37 દોડ 11.50 સેકન્ડમાં અને 200 મીટર T37 દોડ 23.64 સેકન્ડમાં પૂરી કરીને બંને સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓની આ સફળતા તેમની મહેનત, પ્રતિભા અને દૃઢ નિશ્ચયનું ઉદાહરણ છે. આ સિદ્ધિ અન્ય દિવ્યાંગ ખેલાડીઓને પણ રમતગમતમાં આગળ વધવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવા પ્રેરણા આપી શકે છે.
એશિયન પેરા ગેમ્સમાં ભારતનો ઐતિહાસિક દેખાવ
2026ની એશિયન પેરા ગેમ્સમાં ભારતે કુલ 114 મેડલ જીતીને અત્યાર સુધીનો પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ભારતના ખાતામાં 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ આવ્યા હતા. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું.