અર્જુન એવોર્ડ વિજેતા અને ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટન પવન શહરાવતે 2030 કોમનવેલ્થ ગેમ્સ (CWG)ની યજમાની અમદાવાદને મળવા પર ગૌરવ વ્યક્ત કર્યો છે. તેમણે આ નિર્ણયને 'ભારત માટે ગૌરવની ક્ષણ' ગણાવ્યો છે. શહરાવતનો દ્રઢ આત્મવિશ્વાસ છે કે અમદાવાદ માત્ર આયોજન જ નહીં, પરંતુ મેડલની દ્રષ્ટિએ પણ એક નવો ઇતિહાસ રચશે. તેમના મતે, 2010 માં નવી દિલ્હીમાં યોજાયેલા CWGમાં ભારતે મેળવેલા મેડલ રેકોર્ડને અમદાવાદમાં તોડવામાં આવશે, જે ભારતના રમતગમતના ક્ષેત્રમાં વધતા કદનું પ્રતીક છે.
કબડ્ડીના સમાવેશની આશા અને ગુજરાતના ખેલાડીઓનું ભવિષ્ય
કબડ્ડીના કેપ્ટન હોવાને નાતે, પવન શહરાવતને 2030 ની અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સમાં કબડ્ડીની રમતને પણ સામેલ કરવામાં આવે તેવી પ્રબળ આશા છે. જો આમ થશે, તો કબડ્ડીને વૈશ્વિક મંચ પર વધુ ઓળખ મળશે. વધુમાં, શહરાવતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે CWGના આયોજન બાદ ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિમાં મોટો ફેરફાર આવશે. તેમણે કહ્યું કે, આ આયોજનને કારણે ગુજરાતમાં મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ તૈયાર થશે અને રાજ્યને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ મળશે.













