ભારતમાં પહેલીવાર ઓલિમ્પિક્સ યોજવાનું સપનું હવે એક પગલું આગળ વધવા જઈ રહ્યું છે. 2036ની ઓલિમ્પિક્સની યજમાની મેળવવા માટે ભારત આવતીકાલે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સમક્ષ પોતાની યોજના રજૂ કરશે. આ ઑનલાઇન રજૂઆતમાં ભારત પોતાની રમતગમતની સુવિધાઓ, મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજવાનો અનુભવ અને અમદાવાદમાં વિકસાવવામાં આવી રહેલા માળખાને મુખ્ય આધાર બનાવશે. ખાસ વાત એ છે કે ભારતની સાથે અન્ય છ દેશો પણ આ રમતોત્સવની યજમાની મેળવવા ઇચ્છે છે. એટલે આ રજૂઆત ભારત માટે માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી, પરંતુ વિશ્વના રમતગમતના સૌથી મોટા મંચની યજમાની મેળવવાની દિશામાં મહત્ત્વનું પગલું છે.
અમદાવાદને યજમાન શહેર તરીકે રજૂ કરાશે
ભારતની આ યોજનામાં અમદાવાદને મુખ્ય યજમાન શહેર તરીકે આગળ ધરવામાં આવશે. અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી ચૂકી છે. આ ઉપરાંત 2029માં શહેરમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું પણ આયોજન થવાનું છે. ભારત IOC સમક્ષ આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજવાની ક્ષમતાને પોતાની દાવેદારીની મજબૂત બાજુ તરીકે રજૂ કરશે. ભારતનો દાવો માત્ર ભવિષ્યની યોજનાઓ પર આધારિત નથી. જાન્યુઆરી 2025થી જૂન 2026 દરમિયાન ભારતમાં 15થી વધુ શહેરોમાં 36 આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. આ ઉપરાંત 2027 અને 2028માં યોજાનારી 19 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની યજમાની પણ ભારતને મળી છે. આ આંકડાઓ દ્વારા ભારત વિશ્વને બતાવવા માગે છે કે તે મોટા રમતોત્સવનું આયોજન કરવાની ક્ષમતા ધરાવે છે.
કોણ કરશે ભારતનું પ્રતિનિધિત્વ?
આ રજૂઆતમાં ભારત તરફથી રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રમતગમત સચિવ હરિ રંજન રાવ, ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી. ઉષા અને ખેલાડીઓના આયોગનાં વડા તથા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ સામેલ થશે. આ ઉપરાંત ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ભારતીય ઓલિમ્પિક સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી રઘુરામ ઐયર પણ ભારતની ટીમનો ભાગ હશે. આ પ્રતિનિધિમંડળ IOCની ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ ભારતની યોજનાઓ અને ક્ષમતાઓ રજૂ કરશે.
ભારત સામે છ દેશોની ટક્કર
2036ની ઓલિમ્પિક્સની યજમાની મેળવવાની દોડમાં ભારત એકલું નથી. IOCની યાદીમાં ભારત ઉપરાંત જર્મની, હંગેરી, કતાર, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કિયેનો સમાવેશ થાય છે. એટલે કુલ સાત દેશો અત્યારે યજમાનીમાં રસ ધરાવે છે. આ દેશોની યોજનાઓનું મૂલ્યાંકન માત્ર સ્ટેડિયમ કે રમતગમતનાં મેદાનોના આધારે નહીં થાય. IOC યજમાન શહેરની સુવિધાઓ, ખેલાડીઓને મળનારો અનુભવ, આયોજન માટેનું ભંડોળ, સરકાર અને સામાન્ય લોકોનું સમર્થન, સ્પર્ધાઓ યોજવાની ક્ષમતા અને ઓલિમ્પિક્સ પછી સ્થાનિક લોકોને મળનારા લાંબા ગાળાના ફાયદાઓને પણ ધ્યાનમાં લેશે.
2029માં થશે અંતિમ નિર્ણય
ભારતની આવતીકાલની રજૂઆત બાદ પણ યજમાન દેશની પસંદગી માટે અનેક તબક્કા બાકી છે. IOC ડિસેમ્બર 2026ના ત્રીજા સપ્તાહમાં લોકોનો અભિપ્રાય જાણવા સર્વે કરાવવાની યોજના ધરાવે છે. ત્યારબાદ માર્ચ 2027માં પસંદગી પ્રક્રિયાનો આગળનો તબક્કો શરૂ થશે. ડિસેમ્બર 2028માં પસંદગીના યજમાન દેશો સાથે વધુ વિગતવાર ચર્ચા થશે. ત્યારબાદ 2029ના મધ્યમાં IOCના સભ્યો 2036 ઓલિમ્પિક્સના યજમાનની પસંદગી કરશે.
એટલે ભારતની આવતીકાલની રજૂઆત ઓલિમ્પિક્સ મેળવવાની દિશામાં મહત્ત્વનું પગલું છે, પરંતુ અમદાવાદમાં 2036ની ઓલિમ્પિક્સ યોજાશે કે નહીં તેનો અંતિમ નિર્ણય હજુ ઘણો દૂર છે. હવે જોવાનું એ રહેશે કે ભારત પોતાની યોજના અને સુવિધાઓ દ્વારા IOCને કેટલું પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચો: Ronaldoને પોર્ટુગલે રઝળતો મૂક્યો? રોનાલ્ડો માટે ગાર્ડિઓલાની ખાસ અપીલ