ભારતીય મહિલા ખેલાડીઓએ ક્રિકેટના મેદાન બાદ હવે હોકીના મેદાનમાં પણ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. મોંગોલિયા ખાતે રમાઈ રહેલા વિમેન્સ જુનિયર એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 19-0 જંગી સ્કોરથી પરાજય આપ્યો હતો. 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ મહત્વપૂર્ણ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઈન્ડિયાએ આક્રમણથી લઈને ડિફેન્સ સુધીની દરેક બાબતમાં શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને મેદાનમાં ચારેય ખાને ચિત્ત કરી દીધું હતું.

પાકિસ્તાની ડિફેન્સ ધ્વસ્ત 

ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવતાં પ્રથમ ક્વાર્ટરમાં જ પાંચ ગોલ કરી દીધા હતા, જ્યારે બીજા ક્વાર્ટરમાં પણ આ જ લય જાળવી રાખીને વધુ પાંચ ગોલ કર્યા હતા. આ ધમાકેદાર આક્રમણના જોરે ભારતે હાફ ટાઇમ સુધીમાં જ 10-0ની વિશાળ સરસાઈ મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયાનો આ એકતરફી દબદબો બીજા હાફમાં પણ યથાવત જોવા મળ્યો હતો, જ્યાં ત્રીજા ક્વાર્ટરમાં 3 ગોલ અને ચોથા અને નિર્ણાયક ક્વાર્ટરમાં વધુ 6 ગોલ કરીને પાકિસ્તાની ડિફેન્સને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખ્યું હતું. આમ, સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ભારતીય ટીમે પાકિસ્તાનને 19-0ના જંગી સ્કોરથી પરાજય આપ્યો હતો, જે મહિલા જુનિયર એશિયા કપના ઇતિહાસની સૌથી મોટી અને યાદગાર જીતમાં સામેલ થઈ ગઈ છે.

પૂજા મલિકે ગોલ ની હેટ્રીક લગાવી 

આ ઐતિહાસિક મેચમાં ભારતે કરેલા 19 ગોલમાંથી 11 ફિલ્ડ ગોલ હતા, જે દર્શાવે છે કે સમગ્ર મેચ દરમિયાન બોલ પર ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ નિયંત્રણ રહ્યું હતું. આ ઉપરાંત ટીમને 7 ગોલ પેનલ્ટી કોર્નર અને મેચની 13મી મિનિટે પેનલ્ટી શૂટઆઉટ મળ્યું હતું જેને પણ ભારતીય ખેલાડીએ સચોટ રીતે ગોલમાં ફેરવી નાખ્યો હતો.સૌથી રસપ્રદ બાબત એ રહી કે ભારતીય ટીમના કુલ 13 અલગ-અલગ ખેલાડીઓએ સ્કોરબોર્ડ પર પોતાનું નામ નોંધાવ્યું હતું. આ આક્રમણમાં પૂજા મલિક મોખરે રહી હતી, જેણે 27મી, 49મી તેમજ 51મી મિનિટે શાનદાર ગોલ ફટકારીને હેટ્રિક પૂરી કરી હતી. પૂજા સિવાય રોશની, સનિકા માને, મધુ સિદાર અને સુપ્રિયાએ પણ ઉત્કૃષ્ટ લય દર્શાવતા 2-2 ગોલ ટીમ માટે નોંધાવ્યા હતા.

ભારત સામે પાકિસ્તાની ટીમ લાચાર 

પાકિસ્તાની ટીમ સમગ્ર મેચ દરમિયાન એટલી હદે લાચાર સાબિત થઈ હતી કે તે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી. એક પણ ગોલ નોંધાવવો તો દૂરની વાત, સમગ્ર મેચમાં તેઓ એકમાત્ર પેનલ્ટી કોર્નર કે પેનલ્ટી સ્ટ્રોક મેળવવા પણ સફળ રહ્યા ન હતા.

જીતની હેટ્રીક માટે ભારતીય ટીમ તૈયાર 

વિમેન્સ જુનિયર એશિયા કપના સેમિફાઇનલ તબક્કામાં હવે ભારતીય ટીમનો મુકાબલો મલેશિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે રમાનારી ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચના વિજેતા સામે થશે. આ ટૂર્નામેન્ટનો ગોલ્ડ મેડલ (ફાઇનલ) મુકાબલો 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ભારતીય મહિલા ટીમ આ સ્પર્ધામાં સતત બે વખત ચેમ્પિયન બની ચૂકી છે, જેથી હવે 2026નું ટાઇટલ પણ પોતાના નામે કરીને ટાઇટલ જીતવાની ઐતિહાસિક હેટ્રિક પૂરી કરવાના દ્રઢ ઇરાદા સાથે ટીમ ઈન્ડિયા આગળ વધશે.