ભારતીય ફૂટબોલ ટીમે ફરી એકવાર પાકિસ્તાન સામે પોતાનો દબદબો સાબિત કર્યો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રમાયેલી SAFF ચેમ્પિયનશિપ 2026ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવી રેકોર્ડ 10મી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીત સાથે ભારતીય ટીમે સતત ત્રીજી વખત ટ્રોફી જીતીને ખિતાબની હેટ્રિક પણ પૂરી કરી છે. ખાસ વાત એ છે કે ટૂર્નામેન્ટમાં યુવા ખેલાડીઓની બીજી હરોળ સાથે ઉતરેલી ભારતીય ટીમે એક ગોલથી પાછળ રહ્યા બાદ શાનદાર વાપસી કરી હતી.
પહેલા હાફમાં પાકિસ્તાને બનાવી સરસાઈ
ફાઇનલ મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂઆતથી જ જોરદાર ટક્કર જોવા મળી હતી. બંને ટીમો એકબીજાને બરાબરની ટક્કર આપી રહી હતી. જોકે, પ્રથમ હાફની અંતિમ ઘડીઓમાં પાકિસ્તાને ગોલ કરીને ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.પાકિસ્તાનના મિડફિલ્ડર આલમગીર ગાઝીએ શાનદાર કર્લિંગ શોટ દ્વારા બોલને ગોલપોસ્ટમાં પહોંચાડ્યો હતો. આ ગોલ સાથે પાકિસ્તાને 1-0ની સરસાઈ મેળવી હતી. પ્રથમ હાફના અંતે ભારત પર દબાણ વધી ગયું હતું.
https://x.com/IndianFootball/status/2122730059530416548?a=veZc54cgfYkxCU7C-hc&s=20
રેડ કાર્ડ બાદ ભારતની જોરદાર વાપસી
બીજા હાફમાં મેચે નાટકીય વળાંક લીધો હતો. પાકિસ્તાની ડિફેન્ડર જુનૈદ શાહને રેડ કાર્ડ મળતાં તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. આ કારણે પાકિસ્તાનની ટીમ 10 ખેલાડીઓ સાથે રમવા મજબૂર બની હતી.ભારતીય ટીમે આ તકનો પૂરો લાભ લીધો હતો. ભારતને મળેલી ફ્રી કિક પર સુહૈલ અહમદ ભટે શાનદાર ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. આ ગોલ બાદ ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધી ગયો હતો.મેચના અંતિમ તબક્કામાં ભારતીય ડિફેન્ડર સંદીપ મંડી ભારત માટે હીરો બન્યો હતો. તેણે શાનદાર હેડર દ્વારા બોલને ગોલપોસ્ટમાં પહોંચાડ્યો હતો. આ ગોલ સાથે ભારતે 2-1ની સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ ઈન્જરી ટાઇમ સુધી આ સરસાઈ જાળવી રાખી હતી અને આખરે ઐતિહાસિક જીત મેળવી હતી.
ભારતે સતત ત્રીજી વખત જીત્યો ખિતાબ
SAFF ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ છે. આ જીત સાથે ભારતે 10મી વખત ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત સતત ત્રીજી વખત ચેમ્પિયન બનીને ભારતીય ટીમે હેટ્રિક પણ પૂરી કરી છે.બીજી તરફ પાકિસ્તાન માટે આ હાર મોટો ઝટકો છે. સેમિફાઇનલમાં યજમાન બાંગ્લાદેશને હરાવીને પાકિસ્તાની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. જોકે, ફાઇનલમાં ભારત સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.ઉલ્લેખનીય છે કે ગ્રુપ સ્ટેજમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો, જેમાં ભારતીય ટીમે 3-2થી જીત મેળવી હતી. આમ, ટૂર્નામેન્ટમાં ભારતે બંને વખત પાકિસ્તાનને હરાવીને પોતાની તાકાત સાબિત કરી છે.
આ પણ વાંચો- WTC પોઇન્ટ્સ ટેબલમાં ભૂકંપ! પાકિસ્તાન-શ્રીલંકાને મોટો ઝટકો