Under-18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટ હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની હાઈ-વોલ્ટેજ સેમિફાઇનલ મેચમાં પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન આજે શુક્રવારના રોજ આમને-સામને ટકરાશે. ફાઇનલમાં સ્થાન મેળવવા કટ્ટર હરીફો વચ્ચે જોરદાર અને રોમાંચક મુકાબલો જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે. પૂલ સ્ટેજની ચારમાંથી ત્રણ મેચોમાં શાનદાર જીત મેળવીને ભારતે અંતિમ ચારમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે. જોકે, ટુર્નામેન્ટ દરમિયાન જાપાન સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ભારતીય યુવા બ્રિગેડે તેમાંથી ઝડપથી બોધપાઠ લઈને શાનદાર વાપસી કરી બતાવી છે.


એશિયા કપમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન

ભારતીય પુરુષ ટીમે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં અત્યંત પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. એશિયા કપમાં પોતાની પ્રથમ મેચમાં ભારતીય બ્રિગેડે કઝાકિસ્તાનને ૧૩-૦થી સજ્જડ હાર આપી હતી. ત્યારપછીની મેચમાં જાપાન સામે ૨-૪થી પરાજય વેઠવો પડ્યો હતો. જોકે, આંચકામાંથી બહાર આવીને ભારતે મજબૂત રમત રમી અને કોરિયાને ૪-૧થી તેમજ ચાઇનીઝ તાઈપેઈને ૧૩-૧ના વિશાળ અંતરથી હરાવીને એકતરફી વિજય મેળવ્યો હતો. આ આખી ટુર્નામેન્ટમાં ભારતીય ફોરવર્ડ લાઈન અને ડિફેન્સ બંને મજબૂત દેખાયા છે.

ભારત-પાકિસ્તાનના મહામુકાબલો જોવો લોકો આતુર

ભારતીય ખેલાડીઓએ વિરોધી ટીમો સામે કુલ ૩૨ ગોલ ફટકાર્યા છે, જેની સામે ભારતે માત્ર છ ગોલ જ ગુમાવ્યા છે. ટીમની સફળતામાં કેપ્ટન કેતન કુશવાહ ૭ ગોલ સાથે સૌથી આગળ રહ્યો છે, જ્યારે આશિષ તાની પૂર્તિએ પણ ૬ ગોલ કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. જોકે, પાકિસ્તાન સામેની મેચ હંમેશા દબાણવાળી હોય છે, તેથી ભારતીય ખેલાડીઓ પર મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું આંતરિક દબાણ ચોક્કસ રહેશે. બંને દેશોના હોકી ચાહકો પણ આ મહામુકાબલાને લઈને ભારે ઉત્સાહિત છે.

ભારતીય મહિલા ટીમ પણ સેમિફાઇનલમાં: ચીન સામે ટક્કર

બીજી તરફ ભારતની અંડર-૧૮ મહિલા હોકી ટીમ પણ અજેય રહીને શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. મહિલા ટીમે પૂલ સ્ટેજની પોતાની ત્રણેય મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતીય યુવતીઓએ પ્રચંડ આક્રમણ કરીને કુલ ૩૦ ગોલ કર્યા છે અને માત્ર બે જ ગોલ ખાધા છે. હવે સેમિફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમનો સામનો ચીન સામે થશે, જ્યાં તેઓ પોતાની જીતનો સિલસિલો બરકરાર રાખીને ફાઇનલમાં પહોંચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.


આ પણ વાંચો : 

  • Follow us on: