સ્કોટલેન્ડના ગ્લાસગોમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન સતત જારી છે. ભારતના સ્ટાર વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે પુરુષોના +110 કિગ્રા વર્ગમાં દેશ માટે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. બીજી તરફ, સીમા કાલીરામણે મહિલા ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ મેળવીને સફળતા મેળવી છે. આ બે નવા મેડલ સાથે ભારતે સ્પર્ધામાં અત્યાર સુધીમાં કુલ 16 મેડલ (3 ગોલ્ડ, 10 સિલ્વર અને 3 બ્રોન્ઝ) પોતાના નામે કરી લીધા છે.

લવપ્રીત સિંહ ગોલ્ડ ચૂકયો મળ્યો સિલ્વર

વેઇટલિફ્ટિંગની +110 કિગ્રા ફાઇનમાં લવપ્રીત સિંહે કુલ 388 કિલોગ્રામ (સ્નેચમાં 176 કિગ્રા + ક્લીન એન્ડ જર્કમાં 212 કિગ્રા) વજન ઉપાડીને બીજું સ્થાન મેળવ્યું. રોમાંચક ફિનિશ કરી. સ્નેચ રાઉન્ડ પછી ન્યુઝીલેન્ડનો ડેવિડ લિટ્ટી લવપ્રીત કરતાં 10 કિગ્રા પાછળ હતો. પરંતુ ક્લીન એન્ડ જર્કના બીજા રાઉન્ડમાં ડેવિડે 223 કિગ્રા વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો. આખરી પરિણામ જોઈએ તો ડેવિડે કુલ 389 કિગ્રા વજન સાથે લવપ્રીત કરતાં માત્ર 1 કિલોગ્રામ વધુ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીતી લીધો.

"ગોલ્ડ ગુમાવવાનું દુઃખ છે, ભવિષ્યમાં વધુ સારું કરીશ"

માત્ર 1 કિગ્રાના અંતરથી ગોલ્ડ ચૂકી ગયા બાદ નિરાશા વ્યક્ત કરતા લવપ્રીત સિંહે ANI ને જણાવ્યું: "જ્યારે તમે ગોલ્ડ ચૂકી જાઓ છો ત્યારે સ્વાભાવિક રીતે દુઃખ થાય છે. પરંતુ હું એશિયન ગેમ્સ જેવી આગામી સ્પર્ધાઓમાં વધુ સારું પ્રદર્શન કરીશ."  તેમણે ઉમેર્યું કે તેઓ આ મેડલ તેમના કોચ વિજય શર્મા, ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સહદેવ સર, ભારત સરકાર અને ભારતીય નૌકાદળના કેપ્ટન વિજય કુમારને સમર્પિત કરે છે.

સીમા કાલીરામણ: એથ્લેટિક્સમાં ભારતનું ખાતું ખોલાવ્યું

ટ્રેક એન્ડ ફિલ્ડ ક્ષેત્રે પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. સીમા કાલીરામણે મહિલા ડિસ્કસ થ્રો ફાઇનલમાં 58.65 મીટરના શાનદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. સીમાના આ પ્રદર્શન સાથે જ ચાલુ કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સ ક્ષેત્રે ભારતની મેડલ ટેલી પણ ખુલી ગઈ છે. હરિયાણાના ભિવાનીની રહેવાસી સીમાની આ સફળતા પાછળ તેના પતિ અને કોચ રવિન્દરનો મોટો ફાળો છે. રવિન્દર પોતે પણ જુનિયર અને સબ-જુનિયર લેવલે નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યા છે, પરંતુ ઈજાના કારણે તેમની રમતગમતની કારકિર્દી અટકી ગઈ હતી.

ગ્લાસગો ખાતે ગુરુવારે (30 જુલાઈ) આખો દિવસ ભારતીય ચાહકો મેડલની રાહ જોતા રહ્યા હતા. દિવસના અંતે વેઈટલિફ્ટિંગમાં લવપ્રીત સિંહે સિલ્વર મેડલ જીતીને રાહત આપી હતી. ત્યારબાદ યોજાયેલી મહિલા ડિસ્કસ થ્રોની ફાઇનલમાં સીમાએ 58.65 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીતી લીધો.