આમ આદમી પાર્ટી (AAP)માં મોટી ઉથલપાથલ બાદ પંજાબમાં ભગવંત માન સરકારે ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહની સુરક્ષા પાછી ખેંચી લીધી છે.આ પગલું એવી અટકળો વચ્ચે આવ્યું છે કે "ટર્બિનેટર" ટૂંક સમયમાં AAP છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. હરભજન સિંહના અંગત સહાયક (PA), મનદીપ સિંહે જણાવ્યું હતું કે પંજાબ સરકારે અચાનક કાર્યવાહી કરી છે અને તેમની સંપૂર્ણ પોલીસ સુરક્ષા પાછી ખેંચી લીધી છે. અહેવાલો અનુસાર, હરભજન સિંહના ઘરની બહાર તૈનાત આશરે નવથી દસ સુરક્ષા કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે, અને તેમને આપવામાં આવેલી સરકારી પાયલોટ કાર પણ પાછી ખેંચી લેવામાં આવી છે.
પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી
હરભજન સિંહના અંગત સચિવ (PA) મનદીપ સિંહે જણાવ્યું કે, પંજાબ સરકારે અચાનક કાર્યવાહી કરતા તેમની સંપૂર્ણ પોલીસ સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર તહેનાત અંદાજે 9 થી 10 જવાનોનો પહેરો હટાવી દેવામાં આવ્યા છે અને તેમને ફાળવવામાં આવેલી સરકારી પાયલટ કાર પણ પાછી લઈ લેવામાં આવી છે.
આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ
આ સમગ્ર ઘટનાક્રમનાં મૂળિયા એ દાવામાં છુપાયેલા છે જે તાજેતરમાં જ ભાજપમાં સામેલ થયેલા રાઘવ ચઢ્ઢાએ કર્યા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના 10 રાજ્યસભા સાંસદોમાંથી 7 સાંસદો પાર્ટી છોડી રહ્યા છે અને ભાજપના સંપર્કમાં છે. આ 7 સંભવિત ચહેરાઓમાં હરભજન સિંહનું નામ પ્રમુખતાથી લેવામાં આવી રહ્યું છે. જોકે, હરભજન સિંહે આ પક્ષપલટા અંગે અત્યાર સુધી મૌન સાધ્યું છે, પરંતુ સુરક્ષા પરત ખેંચી લેવી એ સરકારની નારાજગીનો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યો છે.
હરભજન સિંહના ઘરની બહાર લખાયું 'ગદ્દાર'
આ પહેલા શનિવારે હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર કાળા રંગથી 'પંજાબનો ગદ્દાર' લખવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે, જેમાં કેટલાક લોકો બ્લેક સ્પ્રે પેન્ટથી 'ગદ્દાર' લખી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે પોલીસ ત્યાં જ હાજર હોવા છતાં તેઓને રોકવાનો કે હટાવવાનો કોઈ ખાસ પ્રયાસ નહોતો કર્યો.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
શનિવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાર્ટી છોડનારા સાંસદો પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને 'ગદ્દાર' ગણાવ્યા હતા. ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'આ નેતાઓએ માત્ર પાર્ટીના જ નહીં, પરંતુ પંજાબના લોકોના વિશ્વાસને પણ ઠેસ પહોંચાડી છે.'
ભગવંત માનના ભાજપ પર પ્રહાર
ભગવંત માને આરોપ લગાવ્યો છે કે, 'ભાજપને પંજાબ અને પંજાબીઓ સાથે સમસ્યા છે. ભાજપ પંજાબના લોકોના હિતમાં હોય તેવી કોઈપણ બાબતમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરે છે. આમ આદમી પાર્ટી કોઈ એક વ્યક્તિ કરતાં મોટી છે અને કેટલાક લોકોના જવાથી પાર્ટી કે પંજાબના રાજકારણ પર કોઈ ખાસ અસર નહીં પડશે.'
આ પણ વાંચો - IPL 2026 Points Table:ડબલ-હેડર બાદ પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ, નંબર વન કોણ?