ભારતીય મહિલા બોક્સિંગ માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. ભારતીય મુક્કેબાજ જૈસ્મિન લેમ્બોરિયા (57 કિગ્રા) અને મીનાક્ષી હુડ્ડા (48 કિગ્રા)એ વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. શનિવારની મોડી રાત્રે રમાયેલા ફાઇનલમાં જૈસ્મિને પેરીસ ઓલિમ્પિકની રજતચંદ્રક વિજેતા પોલેન્ડની જુલિયા જેરેમેટાને 4-1 ના અંતરથી હરાવી હતી. જૈસ્મિને આખી ટુર્નામેન્ટમાં આક્રમક અને સંતુલિત રમત દર્શાવીને પોતાને અજેય સાબિત કરી. ત્યારબાદ, રવિવારે મીનાક્ષીએ પણ પેરીસ ઓલિમ્પિકની કાંસ્યચંદ્રક વિજેતા કઝાકસ્તાનની નાઝિમ કાઈઝેબેને સમાન 4-1 ના અંતરથી હરાવીને ભારતને બીજો સુવર્ણચંદ્રક અપાવ્યો.


ભારતીય બોક્સિંગની શાન

આ ઐતિહાસિક જીત સાથે, જૈસ્મિન અને મીનાક્ષી હવે તે ભારતીય મુક્કેબાજોની યાદીમાં સામેલ થઈ ગયા છે જેમણે વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ પ્રતિષ્ઠિત યાદીમાં પહેલાથી જ એમસી મેરીકોમ, નિખત ઝરીન, સરિતા દેવી, જેની આરએલ, લેખા કેસી, નીતુ ગંઘાસ, લવલીના બોરગોહેન અને સ્વીટી બૂરા જેવી દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. જોકે, આ સ્પર્ધામાં ભારતને મિશ્ર પરિણામો પણ મળ્યા છે. નૂપુર શેરોન (80+ કિગ્રા) ને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો, જ્યારે પૂજા રાની (80 કિગ્રા)ને કાંસ્યચંદ્રક મળ્યો. તેમ છતાં, ભારતીય મહિલા બોક્સિંગ ટીમે આ ચેમ્પિયનશિપમાં બે સુવર્ણ, એક રજત અને એક કાંસ્યચંદ્રક જીતીને પોતાની શક્તિ ફરી એકવાર સાબિત કરી છે.

ખેલાડીઓની રમત અને ભવિષ્ય

જૈસ્મિને, જે ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયનશિપમાં રમી રહી હતી, તેણે શરૂઆતમાં ધીમી શરૂઆત કરી પરંતુ તરત જ લય પકડી લીધી. બીજા અને ત્રીજા રાઉન્ડમાં તેણે શ્રેષ્ઠ સંયોજન અને આક્રમકતા દર્શાવી. જીત બાદ તેની આંખોમાં ગર્વની ચમક હતી. બીજી તરફ, મીનાક્ષીએ તેના ઝડપી અને સચોટ પંચોથી પ્રતિસ્પર્ધી પર દબાણ જાળવી રાખ્યું. નિર્ણાયક ક્ષણોમાં તેણે શ્રેષ્ઠ રક્ષણાત્મક અને આક્રમક સંતુલન દર્શાવ્યું અને ભારતને ગૌરવ અપાવ્યો. આ બંને ખેલાડીઓની જીત ભારતીય મહિલા બોક્સિંગના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે અને યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.


  • Follow us on: