નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં પુરુષોની ડબલ સ્કલ્સ (M2X) ઇવેન્ટમાં ભારતીય રોવર્સ સતનામ સિંહ અને સલમાન ખાને દેશ માટે બ્રોન્ઝ મેડલ સર કર્યો છે. નાગરાગાવા ઇન્ટરનેશનલ રેગાટા કોર્સ પર ભારતીય જોડીએ 6:13.25 નો સમય નોંધાવ્યો હતો. 1,500 મીટર સુધી બીજા સ્થાને રહ્યા બાદ છેલ્લી ૫૦૦ મીટરમાં ગતિ ધીમી પડતાં તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા. આ સ્પર્ધામાં ચીનની જોડીએ (૬:૦૯.૩૭) ગોલ્ડ અને ઉઝબેકિસ્તાનની જોડીએ (6:10.49) સિલ્વર મેડલ મેળવ્યો હતો.
કોણ છે રોવર સલમાન ખાન?
ઉત્તર પ્રદેશના અમેઠીના વતની સલમાન ખાને 2018માં પોતાની રોઇંગ યાત્રા શરૂ કરી હતી. ભારતીય સેનાના બોમ્બે એન્જિનિયર ગ્રુપ (BEG) માં જોડાયા બાદ કોચની મદદથી તેઓ આર્મી રોઇંગ નોડ (ARN) સુધી પહોંચ્યા.
2023માં 'TOPS' (ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ) માં પસંદગી.
2022 અને 2023 નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ.
2024 એશિયન રોઇંગ કપમાં ગોલ્ડ જીત્યા બાદ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે બઢતી.
2025માં એશિયન રોઇંગ ચેમ્પિયનશિપ અને ૨૦૨૬ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ.
કોણ છે રોવર સતનામ સિંહ?
પંજાબના માનસા જિલ્લાના પટ્ટા મલુકા ગામના સતનામ સિંહે ૨૦૧૮માં હેન્ડબોલ છોડી રોઇંગની શરૂઆત કરી હતી.
2018 યુથ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ.
40મી સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં સિંગલ સ્કલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય નૌકાદળના રોવર.
2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ક્વાડ્રપલ સ્કલ્સમાં બ્રોન્ઝ જીત્યા બાદ આ તેમનો સતત બીજો એશિયન ગેમ્સ મેડલ છે.
2025 ઇન્ડોર એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર અને સિનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ.
બલરાજ પંવાર મેડલ ચૂક્યા
બીજી તરફ, પુરુષોની સિંગલ સ્કલ્સ ફાઇનલમાં ભારતનો બલરાજ પંવાર 6:54.80 ના સમય સાથે ચોથા સ્થાને રહ્યો હતો. બલરાજ 1,500 મીટર સુધી બીજા ક્રમે જાળવી રાખવામાં સફળ રહ્યો હતો, પરંતુ અંતિમ 500 મીટરમાં ચોથા સ્થાને સરકી જતાં મેડલથી વંચિત રહ્યો હતો. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ચીનના ડેંગ ઝીવેઇએ (6:38.98) જીત્યો હતો.