નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં રમાયેલી મહિલા હોકી વર્લ્ડ કપની મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને 6-1થી હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. આ વિજય સાથે ભારતે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશાઓ મજબૂત કરી લીધી છે. જોકે, મેચ પૂરી થવાની માત્ર ૧૫ સેકન્ડ પહેલાં જ બનેલી એક દુર્ઘટનાને કારણે ભારતીય ફેન્સ અને ટીમ મેનેજમેન્ટમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

છેલ્લી ૧૫ સેકન્ડમાં મોટો અકસ્માત, ઈશિકા ઇજાગ્રસ્ત

મેચ પૂરી થવાને આરે હતી ત્યારે બોલને ડિફેન્ડ કરતી વખતે ભારતીય ડિફેન્ડર ઈશિકા ચૌધરીના કપાળ પર દક્ષિણ આફ્રિકાના ખેલાડીની હોકી સ્ટીક જોરથી વાગી ગઈ હતી. આ વાગવાની અસર એટલી તીવ્ર હતી કે ઈશિકાના કપાળમાં તરત જ ફ્રેક્ચર થઈ ગયું હતું. તેના ચહેરા પરથી સતત લોહી વહેવા લાગ્યું હતું. રક્તસ્ત્રાવ રોકવા મેડિકલ ટીમ મેદાનમાં દોડી આવી.

મેદાન પર ઢળી પડી ઇશિકા ચૌધરી

હોકી સ્ટીક વાગતાં જ ઈશિકા પીડાથી કણસતી જમીન પર ઢળી પડી હતી. મેડિકલ ટીમ અને ફિઝિયોએ તાત્કાલિક મેદાન પર પહોંચીને ટીશ્યુ અને કપડા વડે લોહી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઈશિકા કપાળ પર રૂમાલ દબાવીને મેદાન બહાર ગઈ ત્યારે તેના ચહેરા પરથી સતત રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને મેદાન પર હાજર તમામ ખેલાડીઓ પણ ગભરાઈ ગયા હતા. તેઓ ઇશિકા જલ્દી સાજી થાય તેની પ્રાર્થના કરવા લાગ્યા.

વર્લ્ડ કપમાં ભારતનો ઐતિહાસિક વિજય

ઈજાની આ દુઃખદ ઘટના સિવાય, આખી મેચમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અદ્ભુત રહ્યું હતું. ગોલ કરનાર ભારતીય ખેલાડીઓ: સુનલિતા ટોપો (૧૧મી મિનિટ), નવનીત કૌર (૧૭મી મિનિટ), સુશીલા ચાનુ (૨૪મી મિનિટ), દીપિકા (૩૮મી મિનિટ), લાલરેમસિયામી (૪૩મી મિનિટ) અને સાક્ષી રાણા. દક્ષિણ આફ્રિકા મેચની ૫૬મી મિનિટે માત્ર એક જ ગોલ કરી શક્યું હતું. હવે ભારતીય ટીમ પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે.


આ પણ વાંચો : National Sports Awards 2025 announced : તેજસ્વિન શંકર અને અન્ય 17 ખેલાડીઓને મળશે અર્જુન પુરસ્કાર