ઓફિસની જેમ ક્રિકેટના મેદાન પર કે અન્ય જગ્યાએ જ્યારે એક ટીમ સાથે કામ કરતી હોય છે ત્યારે તેમનામાં પરિવાર જેવી જ ભાવના જાગી જતી હોય છે. આવું જ ગુજરાત ટાઈટન્સની ટીમમાં પણ જોવા મળ્યું છે. ટીમના કોચ આશિષ નેહરા તેમના અલગ અંદાજ માટે જાણીતા છે પરંતુ તેઓ ખેલાડીઓ સાથે જ નહીં પરંતુ તેમના પરિવાર સાથે પણ કેટલા ભળી જાય છે તેનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં આશિષ નેહરા જોસ બટલરના દીકરા સાથે જોવા મળી રહ્યા છે.
ગુજરાત ટાઈટન્સે શેર કર્યો વીડિયો
..અમે પણ રોકી શકતા નથી! આ કેપ્શન સાથે ગુજરાત ટાઈટન્સે પોતાના ઓફિશિયલ અકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે, જેમાં આશિષ નેહરા જોશ બટલરના દીકરા સાથે જોવા મળી રહ્યો છે, ગુજરાતની ટીમ હોટલમાં એન્ટ્રી કરી રહી હતી તે સમયનો આ વીડિયો સામે આવ્યો છે, જેમાં આશિષ નેહરાના હાથમાં એક બેગ છે જેને જોસ બટલરનો દીકરો ધક્કો મારતો દેખાઈ રહ્યો છે, આશિષ નેહરાનો અહીં ટીમના સભ્યો અને તેમના પરિવાર સાથે પણ ખાસ સંબંધ દેખાઈ રહ્યો છે. હોટલમાં એન્ટ્રી દરમિયાન જ્યારે અટેન્ડન્ટ આશિષ નેહરાને હાર પહેરાવીને સ્વાગત કરવા જતી હોય છે ત્યારે તે જોસ બટલરના દીકરાને આગળ કરે છે.આશિષ નેહરા સતત જોસ બટલરના દીકરાને સપોર્ટ કરતો અને તેનું ધ્યાન રાખતો જોવા મળે છે, જ્યારે હાર પહેર્યા પછી તે અકળાઈ જાય છે તો નેહરા તેની પાસેથી હાર લઈને પોતાની બેગ પર મૂકી દે છે.












