22 એપ્રિલના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચ બાદ એક  એક ઈન્ટરવ્યુ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ  સ્વીકાર્યું કે તે દરેક મેચ પહેલા કાર્ટૂન જુએ છે. આ આદત વિશે જણાવતા તેણે કહ્યું કે, ભલે તે મેદાન પર ગંભીર હોય, પણ તેની અંદરનું બાળક હજુ જીવંત છે.


ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો જવાબ

એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે વૈભવને પૂછવામાં આવ્યું કે, "જે ઉંમરે બાળકો કાર્ટૂન જુએ છે, તે ઉંમરે તમે બોલરોના 'કાર્ટૂન' બનાવી રહ્યા છો એટલે કે તેમને ધમાકેદાર ફટકારી રહ્યા છો, તો તમારા મગજમાં શું ચાલે છે?" આ પ્રશ્નના જવાબમાં વૈભવે ખૂબ જ સરળતાથી કહ્યું કે તેના મગજમાં એવું કંઈ ખાસ ચાલતું નથી. તેણે સ્પષ્ટ કર્યું કે તે હજુ પણ કાર્ટૂન જોવાની આદતથી મજબૂર છે અને મેચના દબાણ વચ્ચે પણ તે આ શોખ પૂરો કરે છે, જોકે તેનું મુખ્ય ધ્યાન હંમેશા રમત અને ટીમની રણનીતિ પર જ હોય છે.

LSG સામેનું નબળું પ્રદર્શન

જોકે, કાર્ટૂન પ્રત્યેના પ્રેમ અને ચર્ચા વચ્ચે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ વૈભવ માટે નિરાશાજનક રહી હતી. ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં તે ખાસ કમાલ કરી શક્યો નહીં. લખનૌના બોલર મોહસીન ખાને તેને જકડાઈ રાખ્યો હતો અને આઈપીએલના ઈતિહાસમાં વૈભવ સામે મેડન ઓવર નાખી વિકેટ લેનાર તે પ્રથમ બોલર બન્યો હતો. આ મેચમાં વૈભવે 11 બોલનો સામનો કર્યો હતો પરંતુ તે માત્ર 8 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. આ નિષ્ફળતા છતાં, તેણે આગામી મેચોમાં પ્લેઓફમાં પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી છે.

ઓરેન્જ કેપની રેસમાં અગ્રેસર

વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2026 માં રાજસ્થાન રોયલ્સ માટે અત્યાર સુધીનો સૌથી સફળ બેટ્સમેન સાબિત થયો છે. સાત ઇનિંગ્સમાં 254 રન બનાવીને તેણે પોતાની ક્ષમતા સાબિત કરી છે, જેમાં બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તેની આ શાનદાર બેટિંગને કારણે તે આ સીઝનમાં 'ઓરેન્જ કેપ' જીતવાની રેસમાં પણ સામેલ છે. 15 વર્ષની નાની ઉંમરે આટલી મોટી સિદ્ધિ મેળવવી એ ભારતીય ક્રિકેટ માટે એક આશાસ્પદ સંકેત છે, જે દર્શાવે છે કે તે ભવિષ્યનો મોટો ખેલાડી બની શકે છે.

આ પણ વાંચો: MI vs CSK IPL 2026: શું આજે વાનખેડેમાં થશે 'થાલા' અને 'હિટમેન'નો ધમાકો?

  • Follow us on: