મથીશા પાથિરાનાને કોલકાતા નાઈટ રાઈડર્સે ₹18 કરોડમાં ખરીદ્યો છે, જેનાથી તે IPL હરાજી ઇતિહાસનો સૌથી મોંઘો શ્રીલંકન ક્રિકેટર બન્યો છે. હરાજી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો અને આ વખતે CSK એ પથિરાના માટે એક પણ બોલી લગાવી ન હતી.મથીશા પાથિરાનાની બેઝ પ્રાઈસ ₹2 કરોડ હતી અને શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પથિરાના માટે જોરદાર બોલી લગાવી હતી. દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંને પથિરાના પર અડધાથી વધુ પર્સ ખર્ચ કરવા તૈયાર હતા, પરંતુ KKR પાસે કોઈનું ન ચાલ્યું.
પથિરાના KKRમાં સામેલ
દિલ્હી કેપિટલ્સ ₹15.60 કરોડ રુપિયા સુધી આવી પોતાના હાથ પાછા ખેંચી લીધા. તે પછી પણ LSG એ હાર ન માની, તેણે પાથિરાના પર ₹17.80 કરોડ સુધી બોલી લગાવી. પરંતુ ત્યારબાદ LSG પાછળ હટી ગઈ હતી. અંતે KKR એ પથિરાનાને ₹18 કરોડમાં ખરીદ્યો. તેમના પહેલા, હરાજીમાં સૌથી મોંઘા શ્રીલંકન ખેલાડીનો રેકોર્ડ વાનિન્દુ હસરંગાના નામે હતો, જેમને 2022 ની હરાજીમાં RCB દ્વારા ₹10.75 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા.મથીશા પાથિરાનાને ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ₹13 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો, પરંતુ કોલકાતા નાઈટ રાઇડર્સે ગયા વર્ષ કરતાં ₹5 કરોડ વધુ બોલી લગાવી હતી. આ પહેલા KKR એ હરાજીમાં કેમેરોન ગ્રીન માટે ₹25.20 કરોડની બોલી લગાવી હતી.
