મુંબઈની ઇનિંગ્સની 10મી ઓવરના છેલ્લા બોલ પર તિલક વર્મા અને જેમી ઓવરટન વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી.


મિસ-કોમ્યુનિકેશન બાદ માથાકૂટ

તિલક વર્માએ શોટ રમીને બે રન લેવા માટે કોલ આપ્યો હતો, પરંતુ સામે છેડે ઉભેલા સૂર્યકુમાર યાદવે રન લેવાની ના પાડી દીધી હતી. આ મિસ-કોમ્યુનિકેશન બાદ તિલક વર્મા ગુસ્સે ભરાયા હતા અને ત્યારે જ ઓવરટને કંઈક ટિપ્પણી કરતા મામલો બિચક્યો હતો. સ્ટમ્પ માઇક પર પણ ખેલાડીઓનો આક્રોશ સ્પષ્ટપણે સંભળાયો હતો.સામાન્ય રીતે શાંત ગણાતા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આ ઝઘડામાં કૂદી પડ્યા હતા. પોતાના સાથી ખેલાડી તિલક વર્માનો પક્ષ લેતા સૂર્યાએ ઓવરટન સામે આકરો મિજાજ દર્શાવ્યો હતો.

મેચના અંતે ખેલદિલીના દર્શન

પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે મેદાન પરના અમ્પાયરોએ તાત્કાલિક વચ્ચે પડવું પડ્યું હતું. ખેલાડીઓને શાંત પાડીને અલગ કરવામાં આવ્યા ત્યારે જ રમત આગળ વધી શકી હતી. આ ક્ષણે સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકો અને સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે પણ ભારે ચર્ચા જગાવી હતી.મેદાન પર ભલે ગમે તેટલો ગુસ્સો જોવા મળ્યો હોય, પરંતુ મેચ પૂર્ણ થયા બાદ ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. 'ક્રિકેટ એ જેન્ટલમેન ગેમ છે' તે સાબિત કરતા મેચ પૂરી થયા પછી તિલક વર્મા અને જેમી ઓવરટન એકબીજાને ભેટી પડ્યા હતા અને હાથ મિલાવીને વિવાદનો અંત લાવ્યો હતો.

CSKની એકતરફી જીત અને પોઈન્ટ ટેબલની સ્થિતિ

જો રમતની વાત કરીએ તો, આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સંપૂર્ણ દબદબો રહ્યો હતો. સંજુ સેમસનની શાનદાર સદી (54 બોલમાં અણનમ 101 રન) ના જોરે CSKએ 207 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઇનઅપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી અને ટીમ માત્ર 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અકીલ હુસૈનની ચાર વિકેટોએ મુંબઈની કમર તોડી નાખી હતી. આ 103 રનની જંગી જીત સાથે CSK પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે મુંબઈની ટીમ આઠમા સ્થાને ધકેલાઈ ગઈ છે.

આ પણ વાંચો: IPL 2026: આજે RCB અને GT વચ્ચે હાઈ-વોલ્ટેજ ટક્કર, ચિન્નાસ્વામીમાં રનનું ઘમસાણ, કોણ મારશે બાજી?


  • Follow us on: