ભારતીય પેરા બેડમિન્ટરમાં એશિયન પેરા ગેમ્સ બાદ શરૂ થયેલો વિવાદ હવે વધુ વકર્યો છે. પૂર્વ ભારતીય કોચ ગૌરવ ખન્નાએ ખેલાડીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો છે. ખેલાડીઓએ આક્ષેપ કર્યો હતો કે ગેમ્સની ફાઇનલ પહેલાં ખન્નાએ સોશિયલ મીડિયા પર મેડલની આગાહી કરીને તેમના પર માનસિક દબાણ ઊભું કર્યું હતું. જોકે, ખન્નાએ આ આરોપોને નકારી કાઢતાં કહ્યું છે કે તેમની સામે ભ્રામક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

Para Badminton Controversy

મેડલની આગાહીને લઈને શરૂ થયો હતો વિવાદ

વિવાદ ખન્નાની એક ડિલીટ કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો હતો. એશિયન પેરા ગેમ્સની ફાઇનલના એક દિવસ પહેલાં તેમણે આગાહી કરી હતી કે ભારત કુલ 16 મેડલ જીતશે, જેમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ સામેલ હશે. ભારતીય ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં ખરેખર 16 મેડલ જીત્યા હતા, પરંતુ તેમાં 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ હતા. અગાઉ 2022ની એશિયન પેરા ગેમ્સમાં ભારતે પેરા બેડમિન્ટનમાં 21 મેડલ જીત્યા હતા. છ વખતના વિશ્વ ચેમ્પિયન અને ભારતીય પેરા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે આ પોસ્ટની ટીકા કરતાં કહ્યું હતું કે ફાઇનલ પહેલાં આવી આગાહી કરવી બિનવ્યાવસાયિક છે અને તે ખેલાડીઓ પર બિનજરૂરી માનસિક દબાણ ઊભું કરી શકે છે.
b_ખન્નાની_આગાહી_અને_વા

ખન્નાનો વળતો પ્રહાર, કહ્યું – ધ્યાન ભટકાવવાનો પ્રયાસ

ખન્નાએ નિવેદનમાં કહ્યું કે તેમની સામે 27 ઓક્ટોબરથી જાહેરમાં આરોપો લગાવવાનું શરૂ થયું, જ્યારે તેમણે એશિયન પેરા ગેમ્સ પૂરી થયા બાદ પસંદગી પ્રક્રિયામાં થયેલી કથિત અનિયમિતતાઓ અંગે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમના મતે આ આરોપોનો હેતુ પસંદગી સંબંધિત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવીને તેમને બદનામ કરવાનો છે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે 22 ઓક્ટોબરે પોસ્ટ થોડા સમય માટે દેખાઈ હતી, પરંતુ 27 ઓક્ટોબર પહેલાં કોઈએ આ અંગે તેમની સાથે વાત કેમ કરી નહોતી.

પ્રમોદ ભગતને પણ આપ્યો જવાબ

પ્રમોદ ભગતે કહ્યું હતું કે ફાઇનલ પહેલાં ખેલાડીઓના નામ સાથે મેડલની આગાહી કરવાથી તેમના પર દબાણ ઊભું થઈ શકે છે. ખન્નાએ તેના જવાબમાં પોસ્ટ માત્ર 2થી 3 મિનિટ માટે જ દેખાઈ હોવાનો દાવો કર્યો હતો. તેમણે જાપાનના સમયનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો કે જો પ્રમોદ ભગતને આ પોસ્ટથી અસર થઈ હતી તો તેમણે તે ક્યારે જોઈ હતી? શું તેઓ ફાઇનલ પહેલાં મોડી રાત્રે સોશિયલ મીડિયા જોઈ રહ્યા હતા?

Para Badminton Controversy

ખેલાડીઓની પસંદગી પર ખન્નાએ ઉઠાવ્યા સવાલ

ખન્નાએ એશિયન ટોપ-6માં સ્થાન ધરાવતા કેટલાક ખેલાડીઓને ટીમમાં સ્થાન ન મળવા અંગે પણ સવાલો કર્યા હતા. તેમણે ચિરાગ બરેઠા, અમ્મુ મોહન, શશાંક કુમાર અને મનીષા પટેલનાં નામ લઈને પૂછ્યું કે તેમને ટીમની બહાર કેમ રાખવામાં આવ્યા? ખન્નાનો દાવો છે કે પસંદગીમાંથી બહાર રહેલા ખેલાડીઓએ લેખિત રજૂઆતો કરી હોવા છતાં તેમની ફરિયાદો પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેમના મતે પસંદગીના ટેકનિકલ પાસાં સ્પષ્ટ ન થવાને કારણે ભારત ઓછામાં ઓછા 4 સંભવિત મેડલ જીતવાની તક ગુમાવી બેઠું હતું.

સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયાનો પણ કર્યો દાવો

આ વિવાદમાં એક વધુ મહત્ત્વનો મુદ્દો સામે આવ્યો છે. ખન્નાએ દાવો કર્યો હતો કે તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હતું અને વિવાદિત પોસ્ટ તેમણે લખી નહોતી. તેમણે સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરી હોવાનો પણ દાવો કર્યો હતો.

હાલમાં ખેલાડીઓએ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) અને બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (BAI) સમક્ષ ફરિયાદ કરીને તપાસની માગ કરી છે. બીજી તરફ ખન્ના પસંદગી પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસની માગ કરી રહ્યા છે. હવે આ સમગ્ર વિવાદમાં સંબંધિત સંસ્થાઓ શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Free Fire Indiaમાં આવશે તાજમહેલ? નવા મેપમાં જોવા મળી શકે છે ભારતીય વાહનો અને ખાસ આઉટફિટ્સ!