ભારતીય પેરા સ્પોર્ટ્સ માટે 28 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો છે. બહેરીનના મનામામાં યોજાઈ રહેલી એલિટ પેરા પાવરલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની જસપ્રીત કૌરે એવી સિદ્ધિ મેળવી છે, જે પહેલાં કોઈ ભારતીય મહિલા પેરા પાવરલિફ્ટર હાંસલ કરી શકી નહોતી. જસપ્રીતે મહિલાઓની 50 કિલોગ્રામ કેટેગરીમાં કુલ 285 કિલોગ્રામ વજન ઉઠાવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ખાસ વાત એ છે કે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો ત્રણ વર્ષ બાદ મેડલ છે. જસપ્રીતની આ સફળતા ભારતીય પેરા રમતગમતમાં મહિલાઓ માટે નવી આશા અને પ્રેરણા બની શકે છે.
285 કિલોગ્રામ વજન ઉઠાવી જીત્યો સિલ્વર
જસપ્રીત કૌરે મહિલાઓની 50 કિલોગ્રામ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાની શરૂઆત 92 કિલોગ્રામ વજન ઉઠાવીને કરી હતી. ત્યારબાદ બીજા પ્રયાસમાં 96 કિલોગ્રામ અને ત્રીજા પ્રયાસમાં 97 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉઠાવ્યું હતું. આ રીતે તેમણે કુલ 285 કિલોગ્રામના પ્રદર્શન સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ કેટેગરીમાં રશિયાની અલ્ફિયા ઝિમાગુલોવાએ કુલ 302 કિલોગ્રામ વજન ઉઠાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જસપ્રીતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો, પરંતુ તેમની આ સિદ્ધિ ભારતીય પેરા પાવરલિફ્ટિંગના ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા
જસપ્રીત કૌરની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે તે પેરા પાવરલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. આ સ્પર્ધામાં ભારતને અગાઉ છેલ્લો મેડલ 2023માં મળ્યો હતો. તે સમયે પરમજીત કુમારે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ત્રણ વર્ષ બાદ જસપ્રીતે ભારતને ફરી મેડલ અપાવ્યો છે. જોકે, અહીં એક મહત્ત્વનો તફાવત સમજવો જરૂરી છે. જસપ્રીતને કુલ વજનની કેટેગરીમાં સિલ્વર મળ્યો છે, જ્યારે મહિલાઓની 50 કિલોગ્રામની બેસ્ટ લિફ્ટ કેટેગરીમાં તે 97 કિલોગ્રામના પ્રદર્શન સાથે પાંચમા સ્થાને રહી હતી. એટલે તેમની ઐતિહાસિક સિદ્ધિ કુલ વજનની કેટેગરીમાં છે.
અગાઉ એશિયા-ઓશનિયા ચેમ્પિયનશિપમાં પણ જીત્યો હતો મેડલ
જસપ્રીત માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલી મોટી સફળતા નથી. આ વર્ષે યોજાયેલી એશિયા-ઓશનિયા ચેમ્પિયનશિપમાં પણ તેમણે મહિલાઓની 45 કિલોગ્રામ કેટેગરીમાં 94 કિલોગ્રામ વજન ઉઠાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે, એશિયન પેરા ગેમ્સમાં 100 કિલોગ્રામની બેસ્ટ લિફ્ટ સાથે તેઓ ચોથા સ્થાને રહ્યાં હતાં.
જસપ્રીતની સફર સંઘર્ષ અને મહેનતનું ઉદાહરણ છે. તેમણે અગાઉ લગભગ 40 કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું અને ફિટનેસ માટે શરૂ કરેલી કસરતને પેરા પાવરલિફ્ટિંગની કારકિર્દીમાં ફેરવી હતી. હવે વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડલ સાથે તેમણે ભારત માટે નવો ઇતિહાસ રચ્યો છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશના દિગ્ગજ Mushfiqur Rahim લેશે નિવૃત્તિ, જેની સામે ડેબ્યૂ કર્યું, તેની સામે જ રમશે છેલ્લી ટેસ્ટ