WWEના લોકપ્રિય સુપરસ્ટાર જોન સીનાના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. નિવૃત્તિ લીધા બાદ જોન સીના ફરી એકવાર રિંગમાં જોવા મળવાના છે. WWEએ 26 ઓક્ટોબરે ‘મન્ડે નાઇટ RAW’ના પ્રસારણ દરમિયાન વીડિયો જાહેર કરીને તેમની વાપસીની જાહેરાત કરી હતી. હવે આવતા અઠવાડિયે ન્યૂયોર્કના બ્રુકલિનમાં યોજાનારા RAWમાં સીના જોવા મળશે.

‘જોન સીના ક્લાસિક’ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી છે વાપસી?

જોન સીનાની આ વાપસી પાછળ ‘જોન સીના ક્લાસિક’ ટૂર્નામેન્ટને મહત્ત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ એક ઇન્ટરવ્યૂમાં સીનાએ આ ટૂર્નામેન્ટ ડિસેમ્બરમાં શરૂ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં તેઓ ટૂર્નામેન્ટ અંગે વધુ માહિતી આપી શકે છે. જોકે, તેમની વાપસીનો ચોક્કસ હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.

‘ક્રાઉન જ્વેલ 2026’ પહેલાં ચાહકોમાં ઉત્સુકતા

સીનાની વાપસી WWEના આગામી મોટા ઇવેન્ટ ‘ક્રાઉન જ્વેલ 2026’ના એક અઠવાડિયા પહેલાં થઈ રહી છે. આ કારણે તેઓ ઇવેન્ટની તૈયારીઓ અથવા અન્ય આયોજન સાથે જોડાય છે કે નહીં, તેના પર પણ ચાહકોની નજર રહેશે.

ગયા વર્ષે રમ્યા હતા છેલ્લી મેચ

જોન સીનાએ ગયા વર્ષે 17 નવેમ્બરે મન્ડે નાઇટ RAWમાં પોતાની છેલ્લી મેચ રમી હતી. આ મુકાબલામાં તેમણે શેમસ અને રે મિસ્ટેરિયો સાથે મળીને જીત મેળવી હતી. તે સમયે સીના WWEના ઇન્ટરકોન્ટિનેન્ટલ ચેમ્પિયન પણ હતા. હવે નિવૃત્તિ બાદ તેમની વાપસીની જાહેરાતથી ચાહકોમાં ફરી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d