જૂનિયર મહિલા એશિયા કપના સેમિફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતાં સાઉથ કોરિયાને 5-1થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.સમગ્ર મુકાબલા દરમિયાન ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. પ્રથમ હાફમાં જ ભારતે 3-0ની મજબૂત સરસાઈ મેળવી લીધી હતી.બીજા હાફમાં સાઉથ કોરિયાએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્રીજા ક્વાર્ટરમાં એક ગોલ પણ કર્યો હતો. જોકે, ભારતીય ટીમે દબાણ જાળવી રાખ્યું અને અંતે 5-1થી મોટી જીત મેળવી ફાઇનલની ટિકિટ પાક્કી કરી.

પ્રથમ હાફમાં ભારતની શાનદાર શરૂઆત

મેચની શરૂઆતથી જ ભારતીય ટીમે આક્રમક રમત બતાવી હતી. 13મી મિનિટે મધુ સિંઘરે ગોલ કરીને ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. ત્યારબાદ માત્ર 4 મિનિટમાં સુપ્રિયાએ ભારત માટે બીજો ગોલ નોંધાવ્યો.ભારત અહીં અટક્યું નહોતું. 21મી મિનિટે સુખવીર કૌરે વધુ એક ગોલ કરીને ટીમની સરસાઈ 3-0 કરી દીધી હતી. પ્રથમ હાફ પૂરો થયો ત્યારે ભારતની સ્થિતિ ઘણી મજબૂત હતી અને સાઉથ કોરિયા પર ત્રણ ગોલની સરસાઈ હતી.

https://x.com/TheHockeyIndia/status/2098649437996245172?s=20

સુપ્રિયાની શાનદાર હેટ્રિક

મેચમાં ભારતીય ટીમ તરફથી સુપ્રિયા સૌથી મોટી સ્ટાર બની રહી હતી. તેણે સાઉથ કોરિયા સામે હેટ્રિક નોંધાવી હતી. 17મી મિનિટે પ્રથમ ગોલ કર્યા બાદ તેણે 33મી મિનિટે ફરી ગોલ કરીને ભારતની સરસાઈ 4-0 કરી હતી.જોકે, ત્યારબાદ સાઉથ કોરિયાએ મેચમાં વાપસીનો પ્રયાસ કર્યો. 41મી મિનિટે જિઓંગ યૂરીએ પોતાની ટીમ માટે પ્રથમ ગોલ કર્યો અને સ્કોર 4-1 થયો. આ ગોલથી સાઉથ કોરિયાને થોડો ઉત્સાહ મળ્યો, પરંતુ ભારતીય ટીમે રમત પરનો કાબૂ ગુમાવ્યો નહોતો.

અંતિમ ક્વાર્ટરમાં ભારતનો વધુ એક ગોલ

મેચના અંતિમ ક્વાર્ટરમાં સાઉથ કોરિયાએ સતત ભારતીય ગોલપોસ્ટ પર હુમલા કર્યા હતા. જોકે, ભારતની મજબૂત રક્ષણપંક્તિએ તેમના પ્રયાસોને સફળ થવા દીધા નહોતા.મેચની 56મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો અને સુપ્રિયાએ તેને ગોલમાં ફેરવી દીધો. આ સાથે તેણે પોતાની હેટ્રિક પૂર્ણ કરી અને ભારતને 5-1ની નિર્ણાયક સરસાઈ અપાવી.અંતિમ સિટી વાગી ત્યારે ભારતે 5-1થી શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે ભારતીય ટીમે જૂનિયર મહિલા એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

ફાઇનલમાં કોની સામે મુકાબલો?

હવે ફાઇનલમાં ભારતનો સામનો બીજા સેમિફાઇનલની વિજેતા ટીમ સામે થશે. બીજા સેમિફાઇનલમાં ચીન અને જાપાન વચ્ચે મુકાબલો થવાનો છે. ભારતે સેમિફાઇનલમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે જોતા હવે ફાઇનલમાં પણ ટીમ પાસેથી શાનદાર રમતની અપેક્ષા રહેશે.

આ પણ વાંચો - PCB : વૈભવ સૂર્યવંશીના ફેન બન્યા વસીન અક્રમ, PCB અને PSLની કાઢી ઝાટકણી