યુરોપિયન ફૂટબોલમાં આ સપ્તાહનો અંત અનેક મોટા રેકોર્ડ અને ચોંકાવનારા પરિણામો સાથે થયો છે. એક તરફ રિયલ મેડ્રિડના કિલિયન એમબાપ્પેએ બાર્સેલોના સામે શાનદાર રમત બતાવીને ઇતિહાસ રચ્યો, તો બીજી તરફ મેનચેસ્ટર યુનાઇટેડની ખરાબ શરૂઆતથી તેના ચાહકો નિરાશ થયા છે. ઇંગ્લેન્ડથી લઈને સ્પેન, ઇટાલી અને જર્મની સુધીની લીગમાં અનેક રસપ્રદ આંકડા સામે આવ્યા છે. 

એમબાપ્પેએ 100 ગોલનો આંકડો પાર કર્યો

સ્પેનિશ ફૂટબોલની સૌથી મોટી ટક્કર ગણાતી એલ ક્લાસિકોમાં રિયલ મેડ્રિડે બાર્સેલોનાને 2-1થી હરાવ્યું. આ જીતના સૌથી મોટા હીરો કિલિયન એમબાપ્પે રહ્યા. તેમણે મેચમાં 2 ગોલ કરીને પોતાની ટીમને મહત્વની જીત અપાવી હતી. આ મેચ એમબાપ્પે માટે ખાસ બની ગઈ, કારણ કે તેમણે રિયલ મેડ્રિડ તરફથી તમામ સ્પર્ધાઓમાં પોતાના 100 ગોલ પૂરા કર્યા. આ સિદ્ધિ મેળવવા માટે તેમને માત્ર 116 મેચ રમવી પડી. આ સાથે તેઓ ક્લબના ઇતિહાસમાં સૌથી ઝડપથી 100 ગોલ પૂરા કરનારા ખેલાડીઓમાં સ્થાન પામ્યા છે. આ યાદીમાં ફેરેનક પુશ્કાસે 99 મેચમાં, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 105 મેચમાં અને આલ્ફ્રેડો ડી સ્ટેફાનોએ 116 મેચમાં આ આંકડો પાર કર્યો હતો. એમબાપ્પેના 100 ગોલમાં સ્પેનિશ લીગના 67, ચેમ્પિયન્સ લીગના 25 અને અન્ય સ્પર્ધાઓના 8 ગોલનો સમાવેશ થાય છે. 

મેસ્સીનો રેકોર્ડ પણ પાછળ છૂટ્યો

એમબાપ્પેના નામે માત્ર 100 ગોલનો રેકોર્ડ જ નથી, પરંતુ એલ ક્લાસિકોમાં પણ તેમનો દબદબો જોવા મળ્યો છે. બાર્સેલોના સામેની પોતાની પ્રથમ 7 મેચમાં તેમણે કુલ 8 ગોલ કર્યા છે. 21મી સદીમાં પ્રથમ 7 એલ ક્લાસિકોમાં કોઈ ખેલાડીએ આટલા ગોલ કર્યા નથી. લિયોનેલ મેસ્સીએ પોતાની પ્રથમ 7 આવી મેચમાં 6 ગોલ કર્યા હતા. રિયલ મેડ્રિડની આ જીતથી બંને ટીમો વચ્ચેના ઇતિહાસના મુકાબલાનો આંકડો પણ બદલાયો છે. હવે રિયલ મેડ્રિડની 107 જીત છે, જ્યારે બાર્સેલોનાની 106 જીત છે. બંને વચ્ચે 52 મેચ ડ્રો રહી છે. આ ઉપરાંત, જોસે મોરિન્હોના માર્ગદર્શન હેઠળ રિયલ મેડ્રિડ બાર્સેલોના સામેની છેલ્લી 5 મેચમાં અપરાજિત રહ્યું છે. તેમાં 3 જીત અને 2 ડ્રોનો સમાવેશ થાય છે. 

મેનચેસ્ટર યુનાઇટેડની સ્થિતિ ચિંતાજનક

ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં મેનચેસ્ટર યુનાઇટેડ માટે સમય સારો ચાલી રહ્યો નથી. ટીમે સિઝનની પ્રથમ 8 મેચમાં માત્ર 7 પોઇન્ટ મેળવ્યા છે. 1986-87ની સિઝન પછી આ તબક્કે ટીમનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. તે સમયે ટીમે 8 મેચમાં માત્ર 4 પોઇન્ટ મેળવ્યા હતા. આટલું જ નહીં, 2023-24ની સિઝનથી અત્યાર સુધી તમામ સ્પર્ધાઓમાં ઘરઆંગણે 3 કે તેથી વધુ ગોલના અંતરથી હારવાની બાબતમાં પણ મેનચેસ્ટર યુનાઇટેડ સૌથી આગળ છે. 

આ પણ વાંચો: Cristiano Ronaldoને કેમ્પ છોડવા બદલ €255નો દંડ, આ રકમ રોનાલ્ડો કેટલી સેસેકન્ડમાં કમાતો હશે ?