ફૂટબોલના મહાન ખેલાડીઓમાંના એક લિયોનેલ મેસ્સી આજે આર્જેન્ટિનાની જર્સીમાં છેલ્લી વખત મેદાન પર ઉતરશે. આર્જેન્ટિના અને બેનિન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચ બ્યુનોસ આયર્સના એસ્ટાડિયો મોન્યુમેન્ટલમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ 7 ઓક્ટોબરની વહેલી સવારે 4:30 વાગ્યે શરૂ થશે.મેસ્સીની આ વિદાય મેચને લઈને વિશ્વભરના ફૂટબોલ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ મેચ માત્ર એક ફ્રેન્ડલી મુકાબલો નહીં, પરંતુ આર્જેન્ટિનાની જર્સીમાં મેસ્સીની બે દાયકાથી વધુ લાંબી સફરનો અંત પણ હશે.
વર્લ્ડ કપથી કોપા અમેરિકા સુધીનો શાનદાર સફર
મેસ્સીએ આર્જેન્ટિના સાથે અનેક મોટી સફળતાઓ મેળવી છે. તેમણે 2021માં કોપા અમેરિકા, 2022માં ફાઇનલિસિમા અને FIFA વર્લ્ડ કપ તથા 2024માં ફરી કોપા અમેરિકા જીત્યું હતું. આ ઉપરાંત 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં પણ તેમણે આર્જેન્ટિના સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.આર્જેન્ટિના માટે મેસ્સીએ 207 મેચમાં 125 ગોલ કર્યા છે અને તેઓ દેશના સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેમની આંતરરાષ્ટ્રીય સફર 2005માં શરૂ થઈ હતી.
મેસ્સીની સફરમાં આવ્યો હતો મોટો વળાંક
2016માં કોપા અમેરિકા ફાઇનલમાં ચિલી સામે પેનલ્ટી શૂટઆઉટમાં હાર બાદ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે થોડા સમય બાદ તેમણે પોતાનો નિર્ણય બદલ્યો અને ફરી આર્જેન્ટિના માટે રમવાનું શરૂ કર્યું.ત્યારબાદ તેમની કારકિર્દીનો સૌથી સફળ સમય આવ્યો. 2021ના કોપા અમેરિકા બાદ 2022માં આર્જેન્ટિનાને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવામાં મેસ્સીએ મહત્વની ભૂમિકા ભજવી. ત્યારબાદ 2024માં પણ આર્જેન્ટિનાએ કોપા અમેરિકા જીત્યું.
https://x.com/Argentina/status/2107257629445611652?s=20
મોન્યુમેન્ટલમાં ખાસ વિદાય
બેનિન સામેની મેચ બ્યુનોસ આયર્સના મોન્યુમેન્ટલ સ્ટેડિયમમાં રમાશે. આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશને મેસ્સીની વિદાયને ખાસ બનાવવા માટે આયોજન કર્યું છે. 2022 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેટલાક ખેલાડીઓ અને તેમના પરિવારો પણ આ ખાસ પ્રસંગે હાજર રહેવાના છે.મેસ્સી માટે આ પોતાના દેશના ચાહકો સામેની અંતિમ મેચ હશે. આ કારણે સ્ટેડિયમમાં ખાસ માહોલ જોવા મળવાની અપેક્ષા છે.
મેસ્સી બાદ કોણ સંભાળશે આર્જેન્ટિનાની કમાન?
મેસ્સીની વિદાય બાદ આર્જેન્ટિના નવી પેઢી તરફ આગળ વધશે. મેસ્સીએ ટીમને જે ઊંચાઈ સુધી પહોંચાડી છે, ત્યારબાદ તેમની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કોણ કરશે તેના પર પણ નજર રહેશે.રોડ્રિગો ડી પૉલ અને જિયોવાની લો સેલ્સો જેવા મેસ્સીના લાંબા સમયના સાથી ખેલાડીઓ પણ ટીમમાં છે. હવે આર્જેન્ટિનાના આગામી યુગમાં યુવા ખેલાડીઓ પાસેથી મોટી જવાબદારીની અપેક્ષા રહેશે.
આ પણ વાંચો - Football: કોલકાતામાં ફરી મહામુકાબલો, ભારત સામે ઉતરશે 2 વખતની વર્લ્ડ ચેમ્પિયન