બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન શોનાએ મિલર-ઉઇબોને 2026ની વેદાંતા દિલ્હી હાફ મેરેથોનના ઈન્ટરનેશનલ ઈવેન્ટ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. બહામાસની આ જાણીતી સ્પ્રિન્ટર 18 ઓક્ટોબરે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાનારી રેસમાં ખાસ મહેમાન તરીકે જોડાશે. આ રેસની આ 21મી આવૃત્તિ છે.
400 મીટરમાં બે ઓલિમ્પિક ગોલ્ડ
શોનાએ મિલર-ઉઇબોનું નામ વિશ્વની ટોચની મહિલા સ્પ્રિન્ટરોમાં ગણાય છે. તેમણે 2016ના રિયો ઓલિમ્પિકમાં મહિલાઓની 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં પણ 400 મીટરમાં ગોલ્ડ મેળવીને તેમણે સતત બીજી ઓલિમ્પિકમાં આ ઈવેન્ટનો ખિતાબ જીત્યો હતો.ટોક્યોમાં 48.36 સેકન્ડના સમય સાથે ગોલ્ડ જીત્યો હતો. આ સમય નોર્થ અમેરિકન રેકોર્ડ પણ હતો. આ જીત સાથે તે ફ્રાન્સની મેરી-જોસ પેરેક બાદ ઓલિમ્પિક 400 મીટરનો ખિતાબ સતત બે વખત જીતનારી ઇતિહાસની માત્ર બીજી મહિલા બની હતી.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ
શોનાએ મિલર-ઉઇબોએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ પોતાની ઓળખ બનાવી છે. 2015 અને 2019માં તેમણે 400 મીટરમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે 2017માં 200 મીટરમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. 2022માં યુજિનમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમણે 400 મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. 200 મીટરમાં પણ તેમનું નામ ખાસ છે. 21.74 સેકન્ડનો તેમનો પર્સનલ બેસ્ટ બહામાસનો નેશનલ રેકોર્ડ છે. 2018 કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે 200 મીટરમાં ગોલ્ડ જીત્યો હતો. આ ઉપરાંત બહામાસની મિક્સ્ડ 4x400 મીટર રિલે ટીમ સાથે પણ તેઓ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે.
દિલ્હીમાં રનર્સને પ્રેરણા આપશે
દિલ્હી હાફ મેરેથોનની એમ્બેસેડર બન્યા બાદ શોનાએ ભારત આવવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ નવી દિલ્હીમાં આવીને એવી રેસનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે, જે અલગ-અલગ લોકો અને તેમની કહાનીઓને દોડ સાથે જોડે છે.તેમણે પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે પ્રગતિ એક જ દિવસમાં થતી નથી, પરંતુ સતત મહેનત અને એક-એક પગલું આગળ વધવાથી બને છે. તેઓ ઈચ્છે છે કે તેમની સફર દિલ્હીના રનર્સને પોતાની પ્રક્રિયા પર વિશ્વાસ રાખવા અને સતત મહેનત કરવા માટે પ્રેરણા આપે.
18 ઓક્ટોબરે યોજાશે રેસ
વેદાંતા દિલ્હી હાફ મેરેથોન 2026નું આયોજન 18 ઓક્ટોબરે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમથી કરવામાં આવશે. ઈવેન્ટ પ્રોકેમ ઈન્ટરનેશનલ દ્વારા આયોજિત છે અને આ વખતે તેની 21મી આવૃત્તિ યોજાશે. આયોજકોનું કહેવું છે કે શોનાએ મિલર-ઉઇબોની હાજરીથી રેસમાં ભાગ લેનારા રનર્સને આંતરરાષ્ટ્રીય સ્તરના એથ્લીટ પાસેથી પ્રેરણા મળશે.શોનાએ મિલર-ઉઇબો રમતની બહાર પણ બહામાસમાં બાળકો અને યુવાનો સાથે જોડાયેલી સામાજિક અને કોમ્યુનિટી પહેલોમાં ભાગ લે છે. હવે તેઓ દિલ્હીની આ રેસમાં પોતાની ઓલિમ્પિક સફર અને અનુભવ સાથે ભારતીય રનર્સ સાથે જોડાશે.
