PM મોદીએ ગુરુવારે, 15 ઓક્ટોબરે, એશિયન ગેમ્સ 2026માં દેશ માટે મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફની પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું, “તમારા બધાની વચ્ચે આવવાથી મને પણ ઊર્જા મળે છે. આટલા બધા મેડલ વિજેતાઓને એકસાથે મળવું સામાન્ય વાત નથી. આ ખૂબ જ સુખદ અનુભવ છે.” તેમણે કહ્યું કે યુવા ખેલાડીઓ એ વાતનું ઉદાહરણ છે કે જ્યારે જુસ્સો જીતમાં બદલાય છે ત્યારે મેડલની સાથે ખેલાડીઓના ચહેરા પર પણ ચમક આવે છે અને દેશનું ગૌરવ વધે છે. તેમણે ખેલાડીઓની સફળતામાં યોગદાન આપનાર કોચ, સપોર્ટ સ્ટાફ અને પરિવારજનોનો પણ આભાર માન્યો હતો.
હોકી, ક્રિકેટ અને કબડ્ડીની સફળતાનો કર્યો ઉલ્લેખ
PM મોદીએ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યા. ખાસ કરીને મહિલા હોકી ટીમે ગોલ્ડ જીતીને 44 વર્ષનો લાંબો ઇંતજાર પૂરો કર્યો. ક્રિકેટમાં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમે સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. કબડ્ડીમાં પણ બંને ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તીરંદાજીમાં ભારતના ખેલાડીઓએ 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે શૂટિંગ અને બોક્સિંગમાં ખેલાડીઓના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. વેઇટલિફ્ટિંગમાં 28 વર્ષ બાદ અને મેરેથોનમાં 1982 પછી ભારતને મેડલ મળવાની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત હવે એવી રમતોમાં પણ મેડલ જીતી રહ્યું છે, જેમાં એશિયન ગેમ્સના ઇતિહાસમાં અગાઉ દેશને સફળતા મળી નહોતી. એમએમએ, સોફ્ટ ટેનિસ અને સેલિંગની કેટલીક સ્પર્ધાઓમાં મળેલા મેડલને તેમણે ઐતિહાસિક ગણાવ્યા.
મહિલા ખેલાડીઓનાં વખાણ, 38 મેડલ જીત્યા
ભારતે એશિયન ગેમ્સ 2026માં કુલ 85 મેડલ જીત્યા હતા. તેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. PM મોદીએ ખાસ કરીને મહિલા ખેલાડીઓના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારતના કુલ 85 મેડલમાંથી 38 મેડલ મહિલા ખેલાડીઓએ જીત્યા છે. તેમાં 11 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. PM મોદીએ કહ્યું, “આ મેડલ માત્ર એક આંકડો નથી, પરંતુ નવા ભારતની મજબૂત તસવીર છે.” તેમણે ખેલાડીઓને યાદ અપાવ્યું કે સફળતા એક દિવસમાં મળતી નથી. તેના માટે વર્ષો સુધી ધીરજ, સતત મહેનત અને યોગ્ય દિશામાં પ્રયાસ કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે ભારતે પણ છેલ્લાં 12 વર્ષમાં રમતગમતની સંસ્કૃતિ વિકસાવવા માટે સતત કામ કર્યું છે.
https://x.com/narendramodi/status/2110697726346412421?s=20
ભેટમાં મળી જર્સી અને હોકી સ્ટિક
કાર્યક્રમ દરમિયાન ભારતીય પુરુષ હોકી ટીમે PM મોદીને ટીમની જર્સી અને હોકી સ્ટિક ભેટમાં આપી હતી. ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમે પણ તેમને જર્સી ભેટ આપી હતી. કાર્યક્રમમાં ખેલાડીઓની સાથે કોચ અને સપોર્ટ સ્ટાફ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ PM મોદીનો ખેલાડીઓને સંબોધવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે PM મોદીના નેતૃત્વમાં દેશમાં રમતગમત પ્રત્યેનો અભિગમ બદલાયો છે, ખેલાડીઓ માટેની તકો વધી છે અને યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ મજબૂત થયો છે. માંડવિયાએ જણાવ્યું કે એશિયન ગેમ્સમાં ભાગ લેનારા 501 ભારતીય ખેલાડીઓમાંથી 310 ખેલાડીઓ પહેલીવાર રમ્યા હતા. આમાંથી 41 ખેલાડીઓએ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે ભારતીય ખેલાડીઓએ 7 નેશનલ રેકોર્ડ, 6 એશિયન રેકોર્ડ અને 1 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
https://x.com/ANI/status/2110691665929519573?s=20
‘2028 ઓલિમ્પિક અને 2036ના લક્ષ્ય માટે તૈયાર રહો’
PM મોદીએ ખેલાડીઓને ભવિષ્યની સ્પર્ધાઓ માટે અત્યારથી તૈયારી કરવા કહ્યું હતું. તેમણે 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક, 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિકની યજમાની મેળવવાની ભારતની આકાંક્ષાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ગામડે-ગામડે પ્રતિભાશાળી ખેલાડીઓને શોધીને તેમને આગળ વધારવાની જરૂર છે. સરકારની ટોપ્સ યોજના અને ખેલો ઇન્ડિયા જેવા કાર્યક્રમોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ખેલાડીઓને તાલીમ, આર્થિક સહાય અને વધુ સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. PM મોદીએ ખેલાડીઓને પોતાના ગામ અને શહેરના યુવાનોને પણ પ્રોત્સાહિત કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રમતગમત માત્ર મેડલ જીતવાનું માધ્યમ નથી, પરંતુ તે શિસ્ત, નિયમિતતા અને હારમાંથી શીખવાની ભાવના પણ વિકસાવે છે.
કાર્યક્રમના અંતે PM મોદીએ ખેલાડીઓ સાથે કેટલાક સંકલ્પ પણ લીધા. તેમાં દરેક મેદાન પર તિરંગાનું ગૌરવ વધારવું, રમતમાં ભારતની નવી ઓળખ બનાવવી, દરેક રમતમાં નવા ચેમ્પિયન તૈયાર કરવા અને નવા રેકોર્ડ બનાવવા જેવા લક્ષ્યો સામેલ હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય યુવાનો પોતાની મહેનત અને ક્ષમતાથી દેશને રમતગમતમાં નવી ઊંચાઈએ પહોંચાડશે.
આ પણ વાંચો: Commonwealth Kabaddi Championship 2026: 14 દેશો વચ્ચે જંગ, ઈરાન અને ચાઈનીઝ તાઈપે બહાર