વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એશિયન પેરા ગેમ્સ 2026માં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ખેલાડીઓના સંઘર્ષ અને તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે, “તમારો સંઘર્ષ અને તમારી સિદ્ધિઓ દરેક ભારતીયને પ્રેરણા આપે છે.” આ કાર્યક્રમમાં રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે પણ હાજર રહ્યાં હતાં. 

ખેલાડીઓના સંઘર્ષ વિશે શું બોલ્યા મોદી?

મોદીએ ખેલાડીઓને સંબોધતાં કહ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે માતા-પિતા પોતાનાં બાળકોને રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરતાં ડરતા હતા. લોકોને લાગતું હતું કે પ્રતિભાને સાથ ન આપતી વ્યવસ્થામાં કંઈ થઈ શકે તેમ નથી. વડાપ્રધાને કહ્યું કે ખેલાડીઓએ મુશ્કેલીઓ વચ્ચે પણ હાર માની નહીં અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહ્યા. એ જ રીતે સરકારે પણ પોતાનું લક્ષ્ય નક્કી કરીને વ્યવસ્થામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશે નક્કી કર્યું છે કે યુવાનોની પ્રતિભા વ્યર્થ નહીં જવા દેવામાં આવે. જે વ્યવસ્થાને કારણે ખેલાડીઓની પ્રગતિમાં અવરોધ ઊભા થતા હતા, તેને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે કોઈ યુવાનને પોતાની પ્રતિભા પર વિશ્વાસ હોય તો તેને એ વિશ્વાસ પણ છે કે દેશ તેની સાથે ઊભો છે. 
https://x.com/narendramodi/status/2118307142537187786?a=IDD58zAYl6Jhxf6Z3uM&s=20

શીતલ દેવી અને સિમરનની પણ કરી પ્રશંસા

આ કાર્યક્રમમાં બે-બે ગોલ્ડ મેડલ જીતનાર તીરંદાજ શીતલ દેવી અને દૃષ્ટિહીન દોડવીર સિમરન શર્મા પણ હાજર રહ્યાં હતાં. શીતલ દેવીના બંને હાથ નથી, તેમ છતાં તેમણે તીરંદાજીમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. સિમરને પણ પોતાની દોડની સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોદીએ ખાસ કરીને એવા ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવી હતી, જેમણે મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ ઊંચું કર્યું છે. 

61 ખેલાડીઓએ પહેલીવાર સ્પર્ધામાં લીધો ભાગ

મોદીએ કહ્યું હતું કે ભારત હવે એવી રમતોમાં પણ સતત મજબૂત બની રહ્યું છે, જેમાં અગાઉ દેશની ભાગીદારી મર્યાદિત હતી. તીરંદાજી, એથ્લેટિક્સ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, જુડો અને પાવરલિફ્ટિંગ જેવી રમતોમાં નવી પ્રતિભાઓ સામે આવી રહી છે અને નવા ચેમ્પિયન બની રહ્યા છે. આ એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ટીમના 61 ખેલાડીઓએ પહેલીવાર ભાગ લીધો હતો. તેમણે પણ દેશના ઐતિહાસિક પ્રદર્શનમાં ફાળો આપ્યો હતો. 

જાપાનના આઇચી-નાગોયામાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતના કુલ 97 પેરા ખેલાડીઓએ 114 મેડલ જીત્યા હતા. તેમાં 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ એશિયન પેરા ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ પણ વાંચો: Footballના બાદશાહ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની મોટી જાહેરાત! 146 ગોલ સાથે આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત