ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ફરી એકવાર જૂના ઘા તાજા થયા છે. કેપટાઉનમાં થયેલા ઐતિહાસિક બોલ ટેમ્પરિંગ વિવાદ એટલે કે 'સેન્ડપેપરગેટ'ના લગભગ 8 વર્ષ બાદ નવો ખુલાસો સામે આવ્યો છે.

આ વખતે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓફ સ્પિનર નાથન લાયનનું નામ ચર્ચામાં આવ્યું છે. તેમના પર વર્ષ 2018માં UAEમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન બોલને ચમકાવવા માટે મિન્ટનો ઉપયોગ કરવાની સલાહ આપવાનો આરોપ લાગ્યો છે.

આ નવો દાવો ઓક્ટોબર 2018માં પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન કરવામાં આવેલી એક ટિપ્પણી સાથે જોડાયેલો છે. આ શ્રેણી દક્ષિણ આફ્રિકા પ્રવાસના થોડા મહિના બાદ રમાઈ હતી.

'વેસ્ટ ઓસ્ટ્રેલિયન'ના અહેવાલ મુજબ, નાથન લાયન જ એ ખેલાડી હતા, જેમણે બોલને ચમકાવવા માટે મિન્ટનો ઉપયોગ કરવાની વાત કરી હતી. આ અઠવાડિયે જ ખુલાસો થયો હતો કે ઓસ્ટ્રેલિયાના એક સિનિયર ખેલાડીએ બોલને ચમકાવવા માટે વધુ લાળ ઉત્પન્ન થાય તે હેતુથી મિન્ટનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.

નાથન લાયન પર લાગ્યો ગંભીર આરોપ

જોકે, આ ટિપ્પણી ગંભીરતાથી કરવામાં આવી હતી કે મજાકમાં, તે હજુ સ્પષ્ટ થયું નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ આ અઠવાડિયાની શરૂઆતમાં 'ધ ગ્રેડ ક્રિકેટર' પોડકાસ્ટ પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

ખ્વાજાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સામેની શ્રેણી દરમિયાન એક સિનિયર ખેલાડીએ બોલને ચમકાવવા માટે વધુ લાળ ઉત્પન્ન થાય તે હેતુથી મિન્ટનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.

ઓક્ટોબર 2018માં UAEમાં રમાઈ હતી શ્રેણી

ખ્વાજાએ એ પણ પુષ્ટિ કરી હતી કે આ ખેલાડી દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન પણ ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. આ એ જ પ્રવાસ હતો, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમ બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાઈ હતી.

ઓક્ટોબર 2018માં UAEમાં રમાયેલી આ શ્રેણી કેપટાઉન ટેસ્ટના માત્ર છ મહિના પછી રમાઈ હતી. કેપટાઉન ટેસ્ટ દરમિયાન કેમેરોન બેનક્રોફ્ટ મેદાન પર સેન્ડપેપર છુપાવવાનો પ્રયાસ કરતા પકડાયા હતા.

નાથન લાયનનું નામ કેમ સામે આવ્યું?

આ ઘટનાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટો વિવાદ સર્જ્યો હતો. તેના પરિણામે કેમેરોન બેનક્રોફ્ટ, કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

હવે આ નવા ખુલાસાએ તે સમયગાળા દરમિયાન ટીમના વર્તન અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પોતાની પ્રતિષ્ઠા ફરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ મામલો સામે આવ્યો છે. અહેવાલ મુજબ, મિન્ટના ઉપયોગ અંગેની ટિપ્પણી કરનાર ખેલાડી તરીકે નાથન લાયનનું નામ સામે આવ્યું છે.

જસ્ટિન લેંગરે આપી આકરી પ્રતિક્રિયા

અહેવાલો અનુસાર, આ ખુલાસા બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેન અને કોચ જસ્ટિન લેંગરે આકરી પ્રતિક્રિયા આપી છે. કહેવાય છે કે ટીમના જ અન્ય એક ખેલાડી ટ્રેવિસ હેડે આ સૂચનને ફગાવી દીધું હતું. ટ્રેવિસ હેડ આ પ્રવાસમાં માર્નસ લાબુશેન અને એરોન ફિન્ચ સાથે ડેબ્યૂ કરી રહેલા ત્રણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોમાં સામેલ હતા. જોકે, લાયનની આ ટિપ્પણી મજાકમાં કરવામાં આવી હતી કે ગંભીરતાથી, તે હજુ સ્પષ્ટ નથી.

નાથન લાયનના ભવિષ્ય પર સવાલ

આ નવા ખુલાસાએ કેપટાઉન ઘટનાના સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમના વાતાવરણ પર ફરી ધ્યાન ખેંચ્યું છે. નાથન લાયન એવા ચાર સિનિયર ઓસ્ટ્રેલિયન બોલરોમાં પણ સામેલ હતા, જેમણે 2021માં પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ સાથે એક નિવેદન પર હસ્તાક્ષર કર્યા હતા.

તેમાં કહેવામાં આવ્યું હતું કે કેપટાઉન ટેસ્ટ દરમિયાન મેદાન પર સેન્ડપેપર લઈ જવામાં આવ્યું હતું તેની તેમને જાણ નહોતી. આ ખુલાસો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં આ ઓફ સ્પિનરના ભવિષ્ય અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો:Cricket Record: ટોમ બ્લંડલે રેકોર્ડ બુકમાં નોંધાવ્યું નામ, 12 વર્ષનો રેકોર્ડ તોડી ભારત સામે કિવી કીપરે રચ્યો ઇતિહાસ!