એશિયન ગેમ્સ 2026માં ભારતના શૂટર્સે વધુ એક મોટી સફળતા મેળવી છે. ટ્રેપ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં કાયનન ડેરિયસ ચેનાઈ અને નીરુ ધાંડાની જોડીએ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફાઈનલમાં ભારતીય જોડીએ કતારને હરાવીને ટોચનું સ્થાન મેળવ્યું. આ મુકાબલો વધુ રોમાંચક એટલા માટે છે કે શરૂઆતની સીરિઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન થોડું નબળું હતું. પરંતુ ત્યારબાદ કાયનન અને નીરુએ જોરદાર વાપસી કરી અને ફાઈનલમાં ભારતે 34નો સ્કોર કર્યો. આ સાથે જ આ જોડીએ ફક્ત ગોલ્ડ જ નહીં એશિયન રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
ફાઈનલમાં કતારને હરાવ્યું, ટ્રેપ શૂટર્સ જોડીની જોરદાર વાપસી
રોમાંચક ફાઈનલ મુકાબલામાં ભારતીય જોડીએ કતારના શૂટર્સને હરાવીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્પર્ધાની શરૂઆતની સીરિઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન ધાર્યા મુજબનું રહ્યું નહોતું, પરંતુ કાયનન અને નીરુએ જબરદસ્ત મનોબળ બતાવીને મેચમાં વાપસી કરી હતી. નીરુ ધાંડા અને કાયનાન ચેનાઈએ આ જીત માત્ર ગોલ્ડ મેડલ પૂરતી સીમિત નથી રાખી, પરંતુ ફાઈનલમાં 34 પોઈન્ટનો સ્કોર બનાવીને એક નવો એશિયન રેકોર્ડ પણ પોતાના નામે સ્થાપિત કર્યો છે. શૂટિંગમાં ભારત માટે આ જીત અત્યંત ઐતિહાસિક ગણાઈ રહી છે.
નીરુ ધાંડા માટે યાદગાર અને ઐતિહાસિક સપ્તાહ
નીરુ ધાંડા માટે આ એશિયન ગેમ્સ અત્યંત સફળ અને યાદગાર સાબિત થઈ છે. આ ગોલ્ડ મેડલની જીત સાથે તેમનું એક સનસનાટીભર્યું સપ્તાહ પૂર્ણ થયું છે. આ પહેલાં નીરુએ મહિલાઓની વ્યક્તિગત ટ્રેપ ઈવેન્ટમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ અને ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એક જ એશિયાડમાં ત્રણ મેડલ જીતીને તેમણે ભારતીય શૂટિંગના ઈતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે. એશિયન ગેમ્સમાં શોટગન ગોલ્ડ જીતનાર નીરુ ધાંડા પ્રથમ ભારતીય મહિલા છે.
કાયનાન ચેનાઈની જોરદાર વાપસી
બીજી તરફ, કાયનાન ડેરિયસ ચેનાઈ માટે પણ આ ગોલ્ડ મેડલ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. પોતાની અગાઉની મેચોના નબળા પ્રદર્શનને પાછળ છોડીને કાયનાને ફાઈનલમાં અદભુત વાપસી કરી હતી. આ વિજયથી તેમની રમતગમત કારકિર્દીના રિઝ્યુમમાં વધુ એક પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલનો ઉમેરો થયો છે. કાયનાન માટે આ અઠવાડિયાની શરૂઆત અપેક્ષા મુજબની રહી નહોતી. પુરુષોની વ્યક્તિગત ટ્રેપ સ્પર્ધામાં તેઓ 115નો સ્કોર બનાવીને ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે ભારતીય પુરુષ ટીમ છઠ્ઠા સ્થાને ફેંકાઈ ગઈ હતી. જોકે, આ નિરાશાને પાછળ છોડીને તેમણે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ધમાકેદાર વાપસી કરી છે.
આ પણ વાંચો : Asian Games 2026 : આર્ચરીમાં ટાઈબ્રેકરમાં કોરિયાને હરાવી ભારતે જીત્યો ગોલ્ડ, સાહિલ અને ચિકિતાની રોમાંચક જીત