આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે

એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.

https://twitter.com/PTI_News/status/2099416960278868155

બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી

પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.

ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે

ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.

અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી 

પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.