પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ખેલો ઇન્ડિયા ડાયલોગ' દરમિયાન સેંકડો ખેલાડીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. રમતગમત ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અંગે વાત કરતા પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારતનું ઓલિમ્પિક પ્રદર્શન ત્યારે જ સુધરી શકે છે જ્યારે દેશ તમામ રમતોમાં ભાગ લેવાનું શરૂ કરશે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત હજુ પણ ઘણી ઓલિમ્પિક રમતોથી દૂર છે. પીએમ મોદીએ જણાવ્યું કે તેમનું વિઝન માત્ર મેડલ જીતવા સુધી સીમિત નથી, પરંતુ રમતગમતને રાષ્ટ્ર નિર્માણનું એક સશક્ત માધ્યમ બનાવવાનું છે.

ઓલિમ્પિકમાં ભારતનું નબળું પ્રદર્શન, પીએમ મોદી

૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કડવું સત્ય રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે પેરિસ ઓલિમ્પિકની ૩૨ રમતોમાંથી ભારતે માત્ર ૧૬ રમતોમાં જ ભાગ લીધો હતો. આ કઠોર વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું, "ઓલિમ્પિકમાં કેટલીય રમતો રમાય છે, પરંતુ ભારતીય ટીમો અડધી રમતમાં પણ ભાગ લેતી નથી. આ સ્થિતિ દાયકાઓથી ચાલી આવી છે, જેના કારણે આપણે મેડલ ટેલીના એક મોટા ભાગ માટે સ્પર્ધા જ કરી શકતા નથી. વિશ્વના અન્ય દેશો તે રમતોમાં મેડલ જીતે છે, જ્યારે આપણે ભાગ પણ નથી લેતા." તેમણે કહ્યું કે જો મેડલની સંખ્યા વધારવી હોય, તો ખેલાડીઓએ અન્ય રમતોમાં પણ નિપુણતા મેળવવી પડશે.

'ટેલેન્ટ હંટ' જાહેરાત અને રાષ્ટ્ર નિર્માણનું વિઝન

પોતાના વિઝનને વધુ સ્પષ્ટ કરતા પીએમ મોદીએ ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસના ભાષણની યાદ અપાવી હતી. તેમણે ૫ થી ૧૫ વર્ષના બાળકો માટે ખાસ પ્રતિભા શોધ (Talent Hunt) કાર્યક્રમની જાહેરાત કરી હતી, જે નાના બાળકોમાંથી રમતગમતની પ્રતિભા ઓળખી તેમને દેશ માટે શ્રેષ્ઠ એથ્લીટ તરીકે તૈયાર કરશે. લાલ કિલ્લાના પ્રાચીર પરથી આપેલા સંદેશનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, "રમતગમત માત્ર મેડલ જીતવા પૂરતી નથી, પરંતુ ભારતની રમત શક્તિ અને યુવા શક્તિનો ઉપયોગ 'વિકસિત ભારત'ના નિર્માણમાં કરવાનો આ એક મહત્ત્વનો સંકલ્પ છે."


આ પણ વાંચો : Hockey World Cup 2026: શું ભારતીય હોકી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે? જાણો સંપૂર્ણ સમીકરણ