ભારતીય પેરા એથ્લીટ પ્રવીણ કુમારે ફરી એકવાર પોતાની પ્રતિભા અને મહેનતથી દેશનું નામ રોશન કર્યું છે. એશિયન પેરા ગેમ્સ 2026માં પ્રવીણે પુરુષોની હાઇ જમ્પ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની સફળતાનો સિલસિલો જાળવી રાખ્યો છે. જન્મથી જ એક પગ નાનો હોવા છતાં તેણે જીવનમાં ક્યારેય હિંમત હારી નથી. પોતાની મહેનત અને રમત પ્રત્યેના સમર્પણના બળે આજે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે મેડલ જીતી રહ્યો છે. જાપાનના આઇચી-નાગોયામાં યોજાયેલી સ્પર્ધામાં પ્રવીણે 2.05 મીટરની ઊંચાઈ કૂદીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે તેણે એશિયન પેરા ગેમ્સનો પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ભારતના જ બન્ટીએ પણ આ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતાં સિલ્વર મેડલ જીત્યો હતો.

પ્રવીણ કુમારે સતત બીજી વખત જીત્યો ગોલ્ડ

એશિયન પેરા ગેમ્સ 2026ના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પુરુષોની T44 અને T64 કેટેગરીની સંયુક્ત હાઇ જમ્પ સ્પર્ધામાં ભારતે પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યાં હતાં.પ્રવીણ કુમારે 2.05 મીટરની શ્રેષ્ઠ કૂદકો લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજી તરફ, બન્ટીએ 1.92 મીટરની કૂદકો લગાવીને પોતાના કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો અને સિલ્વર મેડલ મેળવ્યો હતો.પ્રવીણ માટે આ સફળતા ખાસ હતી, કારણ કે તેણે અગાઉની એશિયન પેરા ગેમ્સમાં પણ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ફરી સુવર્ણ ચંદ્રક મેળવીને તેણે પોતાની સતત સફળતા જાળવી રાખી છે.

https://x.com/Media_SAI/status/2112760999602499681?s=20


પોતાનો જ રેકોર્ડ તોડ્યો

પ્રવીણ કુમારે માત્ર ગોલ્ડ મેડલ જ જીત્યો નથી, પરંતુ એશિયન પેરા ગેમ્સનો હાઇ જમ્પ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. અગાઉનો રેકોર્ડ 2.02 મીટરનો હતો, જે પ્રવીણે જ અગાઉની સ્પર્ધામાં સ્થાપિત કર્યો હતો.આ વખતે તેણે 2.05 મીટરની કૂદકો લગાવીને પોતાના જ રેકોર્ડમાં સુધારો કર્યો. આ સિદ્ધિ તેની રમતની ક્ષમતા અને સતત સુધારાની સાબિતી છે.પ્રવીણ અગાઉ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે. ત્યારબાદ એશિયન પેરા ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ અને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પણ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. હવે 2026ની એશિયન પેરા ગેમ્સમાં ફરી ગોલ્ડ જીતીને તેણે પોતાની સિદ્ધિઓમાં વધુ એક નોંધપાત્ર ઉમેરો કર્યો છે.

જન્મથી જ પડકારોનો સામનો કર્યો

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં રહેતા પ્રવીણ કુમારનો જન્મ એક પગ નાનો હોવાની શારીરિક સ્થિતિ સાથે થયો હતો. તેના કારણે બાળપણથી જ તેને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ખેડૂત પરિવારમાંથી આવતા પ્રવીણે પોતાની પરિસ્થિતિને સફળતાના માર્ગમાં અવરોધ બનવા દીધી નહીં.બાળપણથી જ તેને રમતગમતમાં રસ હતો. સમય જતાં તેણે પોતાની પ્રતિભાને ઓળખી અને હાઇ જમ્પમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. સતત અભ્યાસ, તાલીમ અને મહેનતના કારણે તે આજે ભારતના જાણીતા પેરા એથ્લીટ્સમાં સ્થાન ધરાવે છે.પ્રવીણની સફર દર્શાવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં યોગ્ય માર્ગદર્શન, દૃઢ નિશ્ચય અને સતત મહેનતથી મોટી સફળતા મેળવી શકાય છે.

ભારત માટે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ

એશિયન પેરા ગેમ્સમાં પ્રવીણ કુમાર અને બન્ટીએ ગોલ્ડ તથા સિલ્વર મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ખાસ કરીને પ્રવીણની સિદ્ધિ તેની લાંબી મહેનત અને રમત પ્રત્યેની લગનની યાદ અપાવે છે.આ સફળતા સાથે પ્રવીણે ફરી સાબિત કર્યું છે કે ખેલાડીની ઓળખ તેની મુશ્કેલીઓથી નહીં, પરંતુ તેના પ્રદર્શન અને સિદ્ધિઓથી થાય છે.

આ પણ વાંચો - Asian Para Games : અકસ્માત બાદ હિંમત બતાવી આયુષ વર્માએ પેરા એશિયનમાં દેશને અપાવ્યો ગોલ્ડ