ભારતીય રમતજગતના વહીવટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ને હવે નવું પ્રમુખ મળવાનું લગભગ નક્કી થઈ ગયું છે, કારણ કે વર્તમાન પ્રમુખ પી.ટી. ઉષાએ બીજી મુદત માટે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો નથી. ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખે તેઓએ પોતાનાં નામનું ફોર્મ ભર્યું નહીં. બીજી તરફ, લંડન ઓલિમ્પિકના મેડલ વિજેતા ગગન નારંગ સહિત ત્રણ દાવેદારોએ પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણી માત્ર સંગઠનના નવા પ્રમુખની પસંદગી પૂરતી નથી, પરંતુ દેશના ઓલિમ્પિક વહીવટની આગામી દિશા નક્કી કરવામાં પણ મહત્ત્વની બની શકે છે.
પી.ટી. ઉષાનો ચાર વર્ષનો કાર્યકાળ પૂરો, હવે નવા પ્રમુખની પસંદગી
પી.ટી. ઉષાએ 24 નવેમ્બરે ઉમેદવારી નોંધાવવાની અંતિમ સમયમર્યાદા પૂરી થાય ત્યાં સુધી પોતાનું નામાંકન રજૂ કર્યું નહોતું. આ સાથે જ IOAના પ્રમુખપદની ચૂંટણીમાંથી તેમનું નામ બહાર થઈ ગયું છે. હવે આ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થશે. મેદાનમાં ઉતરેલા ત્રણ નામમાં ગગન નારંગ સૌથી જાણીતા ખેલાડી છે. તેમણે 2012ના લંડન ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તેઓ હાલમાં IOAના ઉપપ્રમુખ પણ છે. બીજા ઉમેદવાર વીરેન્દ્ર સચદેવા આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના મહાસચિવ છે અને અગાઉ દિલ્હી ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ત્રીજા ઉમેદવાર રાજીવ મહેતા IOAના ભૂતપૂર્વ મહાસચિવ છે. તેમણે 2014થી 2022 સુધી આ જવાબદારી સંભાળી હતી.
પી.ટી. ઉષાને અગાઉ પણ લાગ્યો હતો મોટો ઝટકો
ઉષાનો ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે આ મહિનાની શરૂઆતમાં તેમને સ્પોર્ટ્સપર્સન ઑફ આઉટસ્ટેન્ડિંગ મેરિટ (SOM)ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલા ઉમેદવારોમાં તેઓ 40 મત સાથે પાંચમા સ્થાને રહ્યાં હતાં. અંજુ બોબી જ્યોર્જ, રાની રામપાલ, ડોલા બેનર્જી અને સાઇના નેહવાલે પ્રથમ ચાર સ્થાન મેળવીને ચૂંટણીમાં સ્થાન મેળવ્યું હતું. SOMની ચૂંટણીમાં સફળતા ન મળ્યા બાદ ઉષાને આઇસ હોકી એસોસિએશન ઑફ ઇન્ડિયા (IHAI)ના પ્રતિનિધિ તરીકે ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થવાનો માર્ગ મળ્યો હતો. જોકે, તેમના પ્રતિનિધિત્વ સામે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા અને આ મુદ્દે કાનૂની વિવાદ પણ થયો હતો. આમ છતાં તેઓ ચૂંટણી પ્રક્રિયામાં રહી શક્યાં હતાં, પરંતુ અંતે પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી નહીં.
5 ડિસેમ્બરે થશે નવા પ્રમુખની પસંદગી
IOAની કારોબારી પરિષદની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાવાની છે. ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 2 ડિસેમ્બર સુધી ઉમેદવારોને પોતાનું નામ પાછું ખેંચવાની તક મળશે. ત્યારબાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થશે. અન્ય પદો માટે પણ જાણીતા ખેલાડીઓ અને રમતગમતના વહીવટકર્તાઓ મેદાનમાં છે. ઉપપ્રમુખપદ માટે અંજુ બોબી જ્યોર્જ અને બોક્સર વિજેન્દર સિંહે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ખજાનચીના પદ માટે ટેબલ ટેનિસના ભૂતપૂર્વ ખેલાડી કમલેશ મહેતા એકમાત્ર ઉમેદવાર હોવાથી તેમની બિનહરીફ પસંદગી થવાની શક્યતા છે.
પી.ટી. ઉષા ડિસેમ્બર 2022માં IOAનાં પ્રથમ મહિલા અને પ્રથમ ઓલિમ્પિયન પ્રમુખ બન્યાં હતાં. હવે ચાર વર્ષના તેમના કાર્યકાળ બાદ સંગઠનને નવું નેતૃત્વ મળશે. ગગન નારંગ, વીરેન્દ્ર સચદેવા અને રાજીવ મહેતા પૈકી કોના હાથમાં દેશના ઓલિમ્પિક વહીવટની કમાન આવશે, તેનો જવાબ 5 ડિસેમ્બરની ચૂંટણી બાદ મળશે.
આ પણ વાંચો: રોકસ્ટાર ગેમ્સ પર પૈસાનો વરસાદ! GTA 6ની કમાણીનો આંકડો રુ.38,000 કરોડને પાર