વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-2027ના ચક્રમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી છે. આ ચક્રમાં તેઓ ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા સ્પિનર છે. ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટને લઈને પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું માનવું છે કે જાડેજાને પ્લેઇંગ-11માં સ્થાન ન આપવું ટીમ ઈન્ડિયાની મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 નવેમ્બરે ક્રાઇસ્ટચર્ચમાં બીજી ટેસ્ટ શરૂ થઈ હતી. આ મેચ માટે ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો હતો. વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટ રમનારા પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર કરવામાં આવ્યા અને તેમના સ્થાને ગુરનૂર બ્રારને તક આપવામાં આવી. ગુરનૂરની આ ડેબ્યૂ ટેસ્ટ છે.
જોકે, ટીમ મેનેજમેન્ટના એક નિર્ણયે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ટીમના સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજાને સતત બીજી ટેસ્ટમાં પણ પ્લેઇંગ-11માંથી બહાર રાખવામાં આવ્યા હતા. આ નિર્ણય પર પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે સવાલો ઉઠાવ્યા છે.
છેલ્લાં બે દિવસમાં જાડેજા બની શક્યા હોત અસરકારક
રવિન્દ્ર જાડેજાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-2027ના ચક્રમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેઓ આ ચક્રમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા સ્પિનર છે. જાડેજાએ WTCમાં 11 મેચમાં 33 વિકેટ ઝડપી છે. ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ અંગે સુનીલ ગાવસ્કરનું માનવું છે કે મેચના ચોથા અને પાંચમા દિવસે જાડેજાની બોલિંગ ટીમ ઈન્ડિયા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકી હોત.
સોની સ્પોર્ટ્સ પર વાત કરતાં ગાવસ્કરે કહ્યું હતું કે, "આપણે માત્ર મોહમ્મદ સિરાજ વિશે વાત કરી રહ્યા છીએ, પરંતુ રવિન્દ્ર જાડેજા વિશે કેમ નહીં? તેઓ WTC 2025-2027માં ભારતના સૌથી વધુ વિકેટ લેનારા ત્રીજા બોલર છે. મારા મતે ચોથા અને પાંચમા દિવસે તેમની બોલિંગ ખૂબ અસરકારક સાબિત થઈ શકી હોત. જાડેજા એવા બોલરોમાં સામેલ છે, જે સપાટ પિચ પર પણ બોલને સારી રીતે ટર્ન કરાવી શકે છે. પરંતુ આ ટેસ્ટમાં જાડેજા અને સિરાજ બંનેને તક મળી નથી."
મોહમ્મદ સિરાજ અંગે શું બોલ્યા ગાવસ્કર?
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટની પ્લેઇંગ-11માં મોહમ્મદ સિરાજને પણ સ્થાન આપવામાં આવ્યું નહોતું. સતત બીજી ટેસ્ટમાં તેમને રમવાની તક મળી નથી. આ નિર્ણય અંગે ગાવસ્કરે કહ્યું હતું કે,
"મોહમ્મદ સિરાજ WTCના આ ચક્રમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. તેમ છતાં તેમને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યા નથી. હવે આગળ શું થાય છે તે જોવાનું રહેશે. મારું હંમેશાં માનવું રહ્યું છે કે ટીમની પસંદગી સાથે તમે અસહમત થઈ શકો છો, પરંતુ એકવાર ટીમ પસંદ થઈ જાય પછી તે આપણા બધાની ટીમ બની જાય છે. હું આ ટીમનું સમર્થન કરું છું અને આશા રાખું છું કે ટીમ સારું પ્રદર્શન કરશે."
મોહમ્મદ સિરાજે કેટલી વિકેટ ઝડપી?
મોહમ્મદ સિરાજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-2027માં ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ 43 વિકેટ ઝડપી છે. તેમણે 11 ટેસ્ટ મેચની 21 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ દરમિયાન તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 70 રન આપીને 6 વિકેટ લેવાનું રહ્યું છે.
આ પમ વાંચો:Mohammed Siraj: વિદેશમાં 108 વિકેટ છતાં ટીમમાંથી બહાર, શું ટેસ્ટ કરિયર પર લાગશે બ્રેક?