ટેનિસ જગતમાં રોજર ફેડરરનું નામ કોઈ ઓળખાણનું મોહતાજ નથી. 20 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતનાર આ સ્વિસ દિગ્ગજ ખેલાડીની કારકિર્દી સાથે જોડાયેલી ઘણી વાતો જાણીતી છે, પરંતુ તેમની ખાવાની આદત વિશેનો એક રસપ્રદ કિસ્સો હવે ચર્ચામાં છે. ફેડરર 16 વર્ષની ઉંમર સુધી શાકાહારી હતા. જોકે, સ્વિટ્ઝર્લેન્ડની ડેવિસ કપ ટીમ સાથે જોડાયા બાદ તેમની આ આદતમાં ફેરફાર આવ્યો હતો.
જુનિયર ટુર્નામેન્ટના ભોજનથી હતા નારાજ
રોજર ફેડરરે 2017માં સ્વિસ મેગેઝિન સાથેની વાતચીતમાં પોતાની ખાવાની આદત વિશે જણાવ્યું હતું. જુનિયર ટુર્નામેન્ટ દરમિયાન મળતું માંસ તેમને ખાસ પસંદ પડતું નહોતું. તેના કારણે તેમણે માંસ ખાવાનું છોડી દીધું હતું અને લગભગ 16 વર્ષની ઉંમર સુધી શાકાહારી રહ્યા હતા. તે સમયે ફેડરર પોતાની ટેનિસ કારકિર્દી બનાવી રહ્યા હતા. તેમની ખાવાની પસંદગી પાછળ કોઈ ખાસ ડાયટ પ્લાન કરતાં પણ જુનિયર ટુર્નામેન્ટમાં મળતા ભોજનનો અનુભવ વધુ જવાબદાર હતો.
માર્ક રોસેટે કહ્યું, 'માત્ર લીલું ખાઈને નહીં ચાલે!'
ફેડરરની ખાવાની આદત 1998માં બદલાઈ. તે સમયે તેઓ પહેલીવાર સ્વિટ્ઝર્લેન્ડની ડેવિસ કપ ટીમ સાથે જોડાયા હતા. ટીમનો મુકાબલો ચેક રિપબ્લિક સામે હતો. આ દરમિયાન ફેડરર પોતાના સાથી ખેલાડીઓ સાથે એક સ્ટેકહાઉસમાં જમવા ગયા હતા. રેસ્ટોરાંમાં બીજા ખેલાડીઓ માંસ ખાઈ રહ્યા હતા, જ્યારે ફેડરરે ભાત અને સલાડ મંગાવ્યાં. આ જોઈને સ્વિસ ટેનિસ ખેલાડી માર્ક રોસેટ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે ફેડરરને કહ્યું, 'અહીં સ્ટેકહાઉસ છે, તમે માત્ર લીલું ખાઈને ન રહી શકો!' આ પછી રોસેટે ફેડરર માટે અલગ-અલગ પ્રકારના માંસના 10 નાના ટુકડા મંગાવ્યા, જેથી તેઓ તેનો સ્વાદ ચાખી શકે. ફેડરને તેમાંથી લગભગ અડધા પ્રકાર પસંદ આવ્યા અને ત્યારથી માંસ પ્રત્યેની તેમની પસંદગી બદલાવા લાગી.
પત્ની મિર્કાએ માછલી ખાવાની આદત પણ બદલી
ફેડરને ધીમે-ધીમે માંસ ખાવાનું શરૂ કર્યું, પરંતુ માછલીનો સ્વાદ તેમને શરૂઆતમાં પસંદ નહોતો. તેમની પત્ની મિર્કાએ આ બાબતમાં મદદ કરી. માછલી સાથે અલગ-અલગ સોસનો ઉપયોગ થવાથી તેનો સ્વાદ ફેડરને ગમવા લાગ્યો. ફેડરે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને માછલીનો અસલ સ્વાદ પસંદ નહોતો, પરંતુ વિવિધ સોસને કારણે તેમની પસંદગી બદલાઈ ગઈ. ફેડરે રસોઈ બનાવવામાં પોતાની નબળાઈ પણ સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેમની પત્ની મિર્કા ખૂબ સારી રસોઈ બનાવે છે.
20 ગ્રાન્ડ સ્લેમ જીતનાર ફેડરની શાનદાર કારકિર્દી
રોજર ફેડરરે પોતાની કારકિર્દીમાં 20 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યાં છે. તેમાં વિમ્બલ્ડનના 8 ટાઇટલનો પણ સમાવેશ થાય છે. તેઓ 310 અઠવાડિયા સુધી વિશ્વના નંબર-1 ખેલાડી રહ્યા હતા. સપ્ટેમ્બર 2022માં તેમણે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ઓગસ્ટ 2026માં ફેડરને ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સન્માન દરમિયાન તેમણે પોતાની કારકિર્દી અને જીવનની સફર વિશે ભાવુક વાતો કરી હતી. કોર્ટ પરની સફળતા ઉપરાંત, 16 વર્ષની ઉંમરે ખાવાની આદત બદલાવાનો આ કિસ્સો પણ તેમની સફરનો એક રસપ્રદ ભાગ છે.
આ પણ વાંચો: Asian gamesના હીરો સાથે PM મોદીની મુલાકાત, દિલ્હીમાં યોજાશે ખાસ કાર્યક્રમ