ભારતીય સ્ટાર વુશુ એથ્લીટ રોશીબીના દેવીએ મહિલાઓની 60કિગ્રા સાન્ડા ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ટ્રાયલ્સ દરમિયાન યુવા ખેલાડી દિવ્યાંશી ચૌધરી સામે હાર્યા બાદ, દિવ્યાંશીની ઈજાના કારણે રોશીબીનાને ટીમમાં સ્થાન મળ્યું હતું. ફાઇનલ મેચમાં ચીનની ઝાંગ ઝિયાઓયુ સામે ૦-૨ (બંને રાઉન્ડ ૦-૫) થી પરાજય થતાં તેમણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

સિલ્વર જીતી રોશીબીએ રચ્યો ઇતિહાસ

આ જીત સાથે 25વર્ષીય રોશીબીના એશિયન ગેમ્સમાં સતત ત્રણ મેડલ (2018માં બ્રોન્ઝ, 2023માં સિલ્વર અને આ આવૃત્તિમાં સિલ્વર) જીતનાર પ્રથમ ભારતીય મહિલા વુશુ એથ્લીટ બની ગઈ છે. તેમણે પોતાની આ સફરમાં 2023ની વર્લ્ડ ચેમ્પિયન વિયેતનામની ન્ગુયેન થી થુ થુય અને સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાની થાનિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

રોશીબીના પિતા થયા ભાવુક

"મને આનંદ છે કે ભારતે મેડલ જીત્યો છે. તેણે ૨૦૨૩માં શાંઘાઈ ગેમ્સમાં સિલ્વર અને ૨૦૧૮માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે, આ વખતે તેણે ગોલ્ડ મેડલ જીતવાની આશા વ્યક્ત કરી હતી. ભલે આપણે તેના સિલ્વર મેડલ જીતવાથી ખુશ છીએ, પરંતુ તે તેનું લક્ષ્ય હાંસલ ન કરી શકી તે નિરાશાજનક છે. દેશ માટે ગૌરવ અને આનંદ લાવવા બદલ મને તેના પર ગર્વ છે..."

રોઇંગમાં સતનામ અને સલમાન ખાને બ્રોન્ઝ મેડલ સર કર્યો

પુરુષોની ડબલ સ્કલ્સ રોઇંગ ઇવેન્ટમાં સતનામ સિંહ અને સલમાન ખાનની ભારતીય જોડીએ નાગરાગાવા ઇન્ટરનેશનલ રેગાટા કોર્સ પર 6:13.25 ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઇવેન્ટમાં ચીનના યી ઝુડી અને યીદે ની ની જોડીએ 6:09.37 ના સમય સાથે ગોલ્ડ, જ્યારે ઉઝબેકિસ્તાનની જોડીએ 6:10.49 ના સમય સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારતીય જોડી ગોલ્ડ મેડલ વિજેતાથી માત્ર 3.88 સેકન્ડ પાછળ રહી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, સતનામે અગાઉ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ ક્વાડ્રપલ સ્કલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.