ન્યુઝીલેન્ડના આક્રમક મિડફિલ્ડર સરપ્રીત સિંહે કોઈપણ ટીમ માટે ફિફા વર્લ્ડકપ મેચમાં શરૂઆત કરનાર પ્રથમ ભારતીય મૂળનો ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો છે. તેને મંગળવારે લોસ એન્જલસમાં ઈરાન સામે 2-2 થી ડ્રોમાં આ સિદ્ધિ મેળવી હતી.
સરપ્રીત પંજાબી મૂળનો છે
ઓકલેન્ડમાં એક પંજાબી પરિવારમાં જન્મેલા 27 વર્ષના સરપ્રીત સિંહને કોચ ડેરેન બાઝલી દ્વારા શરૂઆતની ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે લગભગ આખી મેચ રમ્યો અને 90મી મિનિટે તેને બદલવામાં આવ્યો. તેના માતા-પિતા પંજાબી મૂળના છે અને તેનો ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ છે.
2010 પછી પહેલીવાર ન્યુઝીલેન્ડ ફૂટબોલ ટીમને વર્લ્ડકપમાં લઈ જવામાં સરપ્રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સરપ્રીત જર્મન ક્લબ એફસી બાયર્ન મ્યુનિક માટે પણ રમી ચૂક્યો છે. તેને ઘણી વાર કહ્યું છે કે તે દિલથી ભારતીય છે અને તેને પોતાના જીવનમાં પંજાબી સંસ્કૃતિ જાળવી રાખી છે. ક્રિકેટમાં તે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરનો મોટો ફેન છે.
મેદાન પર આક્રમક રમત બતાવી, ત્રણ શોટ લગાવ્યા
10 નંબરની જર્સીમાં રમતા સરપ્રીતે મિડફિલ્ડમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેને ઈરાન સામે 3 શોટ લગાવ્યા, જેમાં 61મી મિનિટે એક પ્રયાસનો પણ સમાવેશ થાય છે, જેને ગોલકીપર દ્વારા રોકવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડના 4-2-3-1 ફોર્મેશનમાં, તે મિડફિલ્ડના મધ્યમાં સક્રિય રહ્યો.
ભારતમાં પણ રમી ચૂક્યો છે સરપ્રીત
સરપ્રીતે ભારતમાં 2018માં મુંબઈમાં યોજાયેલા ઈન્ટરકોન્ટિનેન્ટલ કપમાં ભારત સામે પણ રમ્યો હતો. તે દરમિયાન તે ન્યુઝીલેન્ડની અંડર-23 ટીમનો ભાગ હતો અને તેને કેન્યા સામે ગોલ કર્યો હતો, જ્યારે ભારત સામે 2 આસિસ્ટ પણ આપ્યા હતા.
2019માં તેને બુન્ડેસલીગામાં બાયર્ન મ્યુનિક માટે રમનાર પ્રથમ ભારતીય મૂળના ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો. ત્યારબાદ તેને પોર્ટુગલ અને સર્બિયામાં ક્લબ ફૂટબોલ રમ્યો.
આ વર્લ્ડ કપમાં ભારતીય મૂળના અન્ય ખેલાડીઓએ પણ છે
આ વર્લ્ડ કપમાં ભારતીય મૂળના અન્ય ખેલાડીઓએ પણ પોતાનું ડેબ્યૂ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના નિશાન વેલુપિલ્લાઈ અને કતારના તહસીન મોહમ્મદ જમીદે પણ ડેબ્યૂ કર્યું છે. ડીઆર કોંગોના સેમ્યુઅલ મુટુસામી પણ ટીમનો ભાગ છે.
ફૂટબોલમાં ભારતીય મૂળના ખેલાડીઓની વધતી જતી માન્યતા
FIFA ના નિયમો મુજબ ખેલાડીઓ જે દેશમાં જન્મ્યા હોય અને તેમના માતાપિતા અથવા દાદા-દાદી પાસપોર્ટ ધરાવતા હોય તો તેઓ તે દેશ માટે રમવા માટે લાયક હોય છે. સરપ્રીત સિંહની સિદ્ધિને ઈન્ટરનેશનલ ફૂટબોલમાં ભારતીય મૂળના ખેલાડીઓ માટે એક મોટી માન્યતા માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!