ભારતમાં રમતગમતનાં સાધનોના ઉત્પાદનને નવી ગતિ આપવાના હેતુથી કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે ‘ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ’ને મંજૂરી આપી છે. આ યોજના માટે ₹1,856.67 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને તે 2026-27થી 2033-34 સુધી અમલમાં રહેશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રમતગમતનાં સાધનોનું ઉત્પાદન વધારવા, નવી ટેક્નોલોજી અને સંશોધનને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઊભી કરવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધારવાનો છે. આ યોજના કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર કરવામાં આવી હતી.

સ્પોર્ટ્સ ગુડ્સ માટે બનશે ખાસ મેન્યુફેક્ચરિંગ ઝોન

યોજનાની મુખ્ય વિશેષતા સમર્પિત સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ ઝોન વિકસાવવાની છે. આ ઝોનમાં રમતગમતનાં સાધનો બનાવતી કંપનીઓ, સપ્લાયર્સ, ટેસ્ટિંગ સુવિધાઓ, ડિઝાઇન અને પ્રોટોટાઇપિંગ સેન્ટર્સને એક જ ઔદ્યોગિક માળખામાં જોડવાની યોજના છે. આ માટે હાલની ઔદ્યોગિક સુવિધાઓ અને NICDC ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ સાથે સંકલન કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ઉત્પાદન પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનાવવી, કંપનીઓ વચ્ચે સહયોગ વધારવો અને ઉદ્યોગમાં નવા રોકાણને આકર્ષવાનો પ્રયાસ થશે.

₹1,130 કરોડથી ઉત્પાદન અને રોકાણને પ્રોત્સાહન

યોજનામાં એન્કર ઇન્વેસ્ટમેન્ટ સપોર્ટ અને ટર્નઓવર લિંક્ડ સપોર્ટ માટે મળીને ₹1,130 કરોડની જોગવાઈ છે. તેનો હેતુ મોટી ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને દેશમાં ઉત્પાદન એકમો સ્થાપવા પ્રોત્સાહિત કરવાનો છે. સાથે જ ઉત્પાદન ક્ષમતા વધારતી અને વ્યવસાયનો વિસ્તાર કરતી કંપનીઓને પણ પ્રોત્સાહન આપવાની યોજના છે. સરકારને આશા છે કે આ પગલાંથી ખાનગી રોકાણ વધશે, સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે અને રમતગમતનાં સાધનોની આયાત પરની નિર્ભરતા ઘટશે.

નાના ઉદ્યોગો અને MSMEને પણ મળશે મદદ

રમતગમતનાં સાધનો બનાવતા નાના અને મધ્યમ ઉદ્યોગો માટે પણ યોજનામાં જોગવાઈ કરવામાં આવી છે. હાલના મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સમાં સામાન્ય સુવિધાઓ અને જરૂરી માળખાનું આધુનિકીકરણ કરવામાં સહાય મળશે. ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ સરળ બનાવવા માટે ₹105 કરોડની ફાળવણી આંતરરાષ્ટ્રીય રમતગમત ફેડરેશનોનાં સર્ટિફિકેશન મેળવવા અને તેનું નવીનીકરણ કરવા માટે કરવામાં આવી છે. આનાથી ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે અને વિદેશી બજારોમાં ભારતીય સાધનોની સ્વીકૃતિ વધારવાનો માર્ગ ખુલી શકે છે.

સંશોધન, સ્ટાર્ટઅપ્સ અને રોજગાર પર ભાર

યોજનામાં રમતગમતનાં સાધનો, મટીરિયલ સાયન્સ, સુરક્ષાત્મક સાધનો અને આધુનિક ઉત્પાદન ટેક્નોલોજીમાં સંશોધનને પ્રોત્સાહન આપવાની પણ જોગવાઈ છે. આ માટે અગ્રણી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાં સેન્ટર્સ ઑફ એક્સેલન્સ સ્થાપવામાં સહાય આપવામાં આવશે. સ્ટાર્ટઅપ્સને નવી ટેક્નોલોજી અને ઉત્પાદનો વિકસાવવા, તેનું પરીક્ષણ કરવા અને બજારમાં લાવવા માટે પણ ટેકો આપવાનો હેતુ છે. ઉદ્યોગની જરૂરિયાત પ્રમાણે કુશળ કર્મચારીઓ તૈયાર કરવા માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પર ભાર મૂકવામાં આવશે.

સરકારનું લક્ષ્ય ભારતને રમતગમતનાં ઉચ્ચ ગુણવત્તાવાળાં સાધનોના ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાનું છે. જોકે, આ યોજનાની વાસ્તવિક અસર તેના અમલીકરણ, રોકાણની ગતિ, ઉત્પાદનોની ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય કંપનીઓ કેટલી સ્પર્ધા કરી શકે છે તેના પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો: education: ભારતની નવી સ્પોર્ટ્સ એજ્યુકેશન પહેલ, શિક્ષણ અને રમતગમતનો અનોખો સમન્વય