યુવા ભારતીય બેડમિન્ટન ખેલાડી તન્વી શર્મા અને આયુષ શેટ્ટીએ શાનદાર પ્રદર્શન કરતા યૂએસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.


ભારતની 16 વર્ષની બિન ક્રમાંકિત ખેલાડી તન્વીએ મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં યૂક્રેનની સાતમો ક્રમાંક ધરાવતી ખેલાડી બોલિના બુહરોવાને 34 મિનિટમાં જ 21-14, 21-16થી સીધા સેટમાં પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તન્વીની યુક્રેનની ખેલાડી વિરુદ્ધ આ બીજી જીત છે. ફાઇનલમાં તન્વીનો સામનો અમેરિકાની ટોચની ક્રમાંકિત ખેલાડી બેઇવેન ઝાંગ સામે થશે. મેન્સ સિંગલ્સમાં ભારતના ચોથા ક્રમાંકિત ખેલાડી આયુષે ટોચના ક્રમાંકિત અને વર્લ્ડના છઠ્ઠા નંબરના ખેલાડી ચાઇનીઝ તાઇપેઇના ચોઉ ચિએન ચેનને એક કલાક કરતા પણ વધારે સમય સુધી ચાલેલા મુકાબલામાં 21-23, 21-15 અને 21-14થી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં મોટો ઊલટફેર કર્યો હતો. હવે આયુષનો સામનો કેનેડાના ત્રીજા ક્રમાંકિત બ્રાયન યાંગ સામે થશે. યાંગે ચાઇનીઝ તાઇપેઇના લિયાઓ ઝૂઓ- ફૂને સીધા સેટમાં 21-10, 21-12થી હાર આપી હતી. ઉલ્લેખનીય છે કે ક્વાર્ટર ફાઇનલ જંગમાં તન્વીએ પોતાના કરતા ઊંચો રેન્ક ધરાવતી મલેશિયાની ખેલાડી કરુપાથેવન લેત્શાનાને 21-13,21-16થી પરાજય આપ્યો હતો જ્યારે આયુષે ચાઇનીઝ તાઇપેઇના જુનિયર વર્લ્ડ ચેમ્પિયન કુઓ કુઆન લિનને 22-20,21-9થી હાર આપી હતી.


  • Follow us on: