ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતે પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત મેળવી છે અને ક્રિકેટ જગતમાં પોતાનો દબદબો ફરી સાબિત કર્યો છે. કોલંબોમાં રમાયેલા આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમે સારૂં પ્રદર્શન કરીને ફેન્સને ખુશી કરી દીધા.

ભારત સામે પાકિસ્તાનની ટીમ ના ટકી શકી

મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. ટોપ ઓર્ડરે સંયમપૂર્વક શરૂઆત કરી અને મધ્યક્રમના બેટ્સમેનોએ ઝડપી રન બનાવી મજબૂત સ્કોર ઉભો કર્યો. 176 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી પાકિસ્તાન ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી.

હાર્દિક, અક્ષર અને બુમરાહે કર્યું શાનદાર પ્રદર્શન

ભારતીય બોલરોએ શાનદાર લાઈન અને લેન્થ સાથે દબાણ જાળવી રાખ્યું. ખાસ કરીને ગુજરાતના ત્રણ ખેલાડીઓએ પાકિસ્તાનની ટીમ પર ભારે પ્રહાર કર્યો. અક્ષર પટેલે 29 રનમાં 2 વિકેટ લઈને મધ્યક્રમને ઝટકો આપ્યો. હાર્દિક પંડ્યાએ પણ 16 રનમાં 2 વિકેટ લઈને મહત્વપૂર્ણ સફળતા મેળવી. જ્યારે જસપ્રિત બુમરાહે 17 રનમાં 2 વિકેટ લઈને પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી દીધું.

ભારતીય બોલરોની સંયુક્ત મહેનતના પરિણામે પાકિસ્તાનની આખી ટીમ 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે ભારતે રનના મોટા અંતરથી વિજય મેળવ્યો. સમગ્ર મેચ દરમિયાન ફિલ્ડિંગ પણ નોંધપાત્ર રહી અને ટીમ ઇન્ડિયાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશા ઉત્સાહ અને રોમાંચથી ભરેલો હોય છે, પરંતુ આ જીત ખાસ રહી.

લોકોએ ફટાકડા ફોડીને કરી ભવ્ય ઉજવણી

મેચ બાદ દેશમાં ક્રિકેટ રસિકોએ ફટાકડા ફોડીને અને ઉજવણી કરીને ટીમની જીતનો આનંદ મનાવ્યો. સોશિયલ મીડિયા પર પણ ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની ભારે પ્રશંસા થઈ રહી છે. આ ઐતિહાસિક જીત સાથે ભારતે ટી20 વર્લ્ડ કપ 2026માં પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે અને ટીમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.

આ પણ વાંચો : IND Vs PAK: ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા રોહિત શર્મા પહોંચ્યો કોલંબો, મેચ પહેલા ખેલાડીઓ સાથે કરી વાત