T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાના માત્ર છ દિવસ પહેલા જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નવો વિવાદ ઉભો કર્યો છે. લગભગ એક અઠવાડિયાથી વર્લ્ડ કપમાં ભાગ લેવો કે નહીં તે અંગે નિર્ણય ના લઈ શકનાર પાકિસ્તાને, આખરે ગઈકાલ 1 ફેબ્રુઆરીને રોજ, ભારત સામેની મેચ નહીં રમવા માટે PCB એ સત્તાવાર જાહેરાત કરી છે. પાકિસ્તાન સરકારના આદેશને ટાંકીને, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી કે તે વર્લ્ડ કપમાં તો ભાગ લેશે પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ નહીં રમે. આ નિર્ણયથી ટુર્નામેન્ટના આયોજન પર અસર પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણયથી નાખુશ છે. ICC એ પાકિસ્તાનને તેના આ નિર્ણય અંગે ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી અને PCB ને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે.
PCB એ T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર
PCB એ રવિવાર 1 ફેબ્રુઆરીના રોજ T20 વર્લ્ડ કપમાં રમવાનો નિર્ણય જાહેર કર્યો પરંતુ ભારત સામેની મેચ નહીં રમવાનો નિર્ણય કર્યો. PCB દ્વારા ભારત સામે મેદાનમાં નહીં ઉતરવાનો નિર્ણય લેવામાં આવશે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. જોકે ICC એ ગઈકાલ સુધી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, જો કે પાકિસ્તાન ક્રિરેટ બોર્ડે સત્તાવાર જાહેરાત કર્યા પછી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક વિગતવાર નિવેદન જાહેર કરીને PCB ને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. જેમાં જણાવ્યું હતું કે ભારત સામેની મેચ નહીં રમવાના ગંભીર પરિણામો આવશે, જેની અસર સમગ્ર રમત, પાકિસ્તાન બોર્ડ અને તેના ચાહકો ઉપર પણ પડશે..













