રમતગમત જગતની દુનિયામાં કોઈપણ ખેલાડીની જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમની ફિટનેસ અને તેમના પ્રદર્શન પર ચોક્કસથી તેની અસર દેખાય છે. પરંતુ ટેનિસ જગતની દુનિયામાં એક ખેલાડી એવી છે જેણે 45 વર્ષની વયે જોરદાર વાપસી કરીને ઉંમર એ માત્ર આંકડો છે એ વાત સાબિત કરી દીધી.
16 મહિના પછી કરી વાપસી
અમેરિકાની સ્ટાર ટેનિસ ખેલાડી અને ટેનિસ જગતની સૌથી અનુભવી ખેલાડીમાંથી એક વિનસ વિલિયમ્સે 16 મહિના પછી ટેનિસ જગતમાં ફરીવાર તેની વાપસી કરી છે. કોઈપણ ખેલાડી માટે આટલા લાંબા સમયગાળા સુધી રમતથી દૂર રહેવું અને પછી ફરી રમતમાં ઊતરવું એ ખરા અર્થમાં મુશ્કેલ હોય છે. પરંતુ વિનસ વિલિયમ્સે ટૂર-લેવલ સિંગલ્સમાં 45 વર્ષની વયે વિજય રથ સાથે વાપસી કરી હોય એવું લાગી રહ્યું છે અને આ સાથે વિનસ ટૂર-લેવલ સિંગલ્સ મેચ જીતનારી બીજી સૌથી મોટી ઉંમરની મહિલા બની છે.
45 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો
ટેનિસ જગતની સૌથી અનુભવી ખેલાડીમાંથી એક વિનસ વિલિયમ્સે 45 વર્ષની ઉંમરે વાપસી કરીને ટૂર-લેવલ સિંગલ્સ મેચ દરમિયાન 23 વર્ષીય પેટન સ્ટર્ન્સને 6-3 , 6-4થી હરાવીને શાનદાર જીત મેળવી. આ મેચમાં વિનસની જીતની સાથે સૌથી રસપ્રદ વાત એ રહી છે કે પેટન સ્ટર્ન્સ વિનસ કરતાં 22 વર્ષ નાની ખેલાડી છે. માર્ટિના નવરાતિલોવા નામની ટેનિસ ખેલાડીએ આ પહેલા 47 વર્ષની ઉંમરે જીત સાથે કમબેક કરીને આ યાદીમાં સૌથી પ્રથમ નામ તેમનું રાખ્યું છે અને ત્યાર બાદ બીજી સૌથી મોટી ઉંમરની મહિલા તરીકે વિનસ વિલિયમ્સનું નામ છે.
21 વર્ષ પછી રચ્યો ઇતિહાસ
વર્ષ 2004માં માર્ટિના નવરાતિલોવા નામની ટેનિસ ખેલાડીએ 47 વર્ષની ઉંમરે વાપસી કરીને તેનાથી નાની ઉમરની ખેલાડીને કોર્ટમાં હરાવીને સૌથી પહેલા આ સિદ્ધિ હાંસલ કરી હતી ત્યારે હવે 2004 પછી સીધા 2025માં વિનસ વિલિયમ્સે 45 વર્ષની ઉંમરે વાપસી કરીને ટૂર-લેવલ સિંગલ્સ મેચ દરમિયાન 23 વર્ષીય પેટન સ્ટર્ન્સને હરાવીને 21 વર્ષ પછી એક નવી કીર્તિમાન તેના નામે કર્યો છે.