વિમ્બલ્ડન 2025 અત્યારે વિશ્વ રમત ગમતની દુનિયામાં તેનો ડંકો વગાડી રહી છે. વિશ્વના દિગ્ગજ લોકો , સેલેબ્રિટીઓ અને અન્ય રમતના ખેલાડીઓ આ રમતને જોવા માટે વિમ્બલ્ડન પહોંચી રહ્યા છે ત્યારે ગઈ કાલે વિશ્વના બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે જામેલી રમતમાં એક મોટો અપસેટ સર્જાયો હતો.


જોકોવિચ વિમ્બલ્ડનમાંથી બહાર

વિમ્બલ્ડન 2025માં જે મેજર અપસેટ સર્જાયો છે જેની અત્યારે વિશ્વના દરેક ખૂણામાં રમત ગમતના પ્રેમીઓ વચ્ચે જોર શોરથી ચર્ચાઓ પણ ચાલી રહી છે એ મેજર અપસેટ વિશ્વના એક દિગ્ગજ ખેલાડી સાથે સંકળાયેલો છે. આ મહાન ખેલાડી એટલે સર્બિયાના નોવાક જોકોવિચ જે હાલ વિમ્બલ્ડન 2025માંથી બહાર થઈ ગયા છે અને તેમનું ફાઇનલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ગઈકાલની રોમાંચક સેમિફાઇનલની મેચમાં વિશ્વના નંબર વન ખેલાડી સામે નોવાક જોકોવિચની હાર થતાં તે આ રમતમાંથી બહાર થઈ ગયા છે.

સેમિફાઇનલમાં સીધા સેટમાં હારનો સામનો

ટેનિસના મહાન ખેલાડીઓમાં જે ખેલાડીનું નામ આદર પૂર્વક લેવામાં આવે છે એવા સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચનો ગઇકાલની સેમિફાઇનલમાં સીધા સેટમાં વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી જાનિક સિનર સામે કારમો પરાજય થયો છે. નોવાક જોકોવિચ પાસે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનો એક સુવર્ણ અવસર હતો પરંતુ આ હાર બાદ તે આ સિદ્ધિથી હજી પણ એક કદમ દૂર રહ્યો છે. જાનિક સિનરે નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-3, 6-3, 6-4 થી હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે.

ટાઇટલ માટે સિનર અને અલ્કારાઝ વચ્ચે જંગ

ગઇકાલે સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચને હરાવ્યા બાદ સિનરનો સામનો હવે ફાઇનલમાં સ્પેનના વિશ્વના બીજા નંબરના સ્ટાર ખેલાડી કાર્લોસ અલ્કારાઝ સામે થવાનો છે. કાર્લોસ અલ્કારાઝ માત્ર 22 વર્ષનો યુવા ખેલાડી છે જેણે હાલ ટેનિસ જગતમાં ધૂમ મચાવી રાખી છે. 22 વર્ષની ઉંમરે પાંચ ટાઇટલ જીતનાર અલ્કારાઝ એક ખુબજ શાનદાર ખેલાડી છે જેણે પણ 2023 અને 2024ની ટાઇટલ મેચોમાં બે વાર જોકોવિચને હરાવ્યો હતો. ત્યારે હવે 13 જુલાઈના વિમ્બલ્ડન 2025ની ફાઇનલ મેચમાં સિનર અને અલ્કારાઝ ટાઇટલ માટે ટકરાશે. 

  • Follow us on: